– ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે વિવિધ સરકારી યોજનાઓની સચોટ જાણકારી હોય તો તેઓ લોકકલ્યાણના કામો વધુ ઝડપથી મંજૂર કરાવી શકે : મંત્રી ઈશ્વરસિંહ પટેલ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સદસ્યો માટે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રાજપીપળાના આંબેડકર હોલ ખાતે એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમના કાર્યો, ફરજો અને સરકારની વિવિધ યોજનાઓ પ્રત્યે વધુ સજ્જ કરી પાયાના સ્તરે સુશાસન અને વિકાસને વેગ આપવાનો છે.
પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે કાર્યશાળાને સંબોધતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં 15મા નાણાં પંચ હેઠળ 342.99 કરોડના કામો થયા છે અને આગામી 16મા નાણાં પંચમાં ₹332.64 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. વધુમાં, જિલ્લાના 545 પૈકી 539 ગામોને ‘મોડેલ ગામ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જે જિલ્લા માટે ગૌરવની બાબત છે.જિલ્લામાં નવા 69 ગ્રામ પંચાયત ભવનોને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ કાર્યશાળાના દરમ્યાન પદાધિકારીઓને તજજ્ઞો દ્વારા પંચાયતીરાજ વ્યવસ્થામાં પદાધિકારીઓની ભૂમિકા, સત્તાઓ અને જવાબદારીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ સાથે ગ્રામ પંચાયત વિકાસ યોજના અને ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, ગ્રામ સભાનું મહત્વ, પેસા એક્ટ, ઘન કચરાના નિકાલ સહિત વિવિધ ટેકનિકલ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




