– જનભાગીદારી અને તંત્રનો સમન્વય: ભરૂચમાં આપત્તિ રાહત કામગીરી માટે ૪૦૦+ સ્વયંસેવકો અને NGO જોડાયા
ભરૂચ,
હવામાન વિભાગ દ્વારા આગામી ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રી ભરૂચના માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સમગ્ર તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
બચાવ અને રાહત કામગીરી માટે જિલ્લામાં NDRF અને SDRFની ડેપ્યુટ કરાયેલી ટીમોને નર્મદા નદીના ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં વિકેન્દ્રિત ધોરણે તૈનાત કરી દેવામાં આવી છે. પાણી ભરાવાની સ્થિતિ સામે જિલ્લામાં ૨૦ ફાઇબર બોટ અને અન્ય ૬ જેટલી રેસ્ક્યૂ બોટની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ માટે બોટ, વુડ કટિંગ માટે ચેઇન શો મશીન, ટૂલકીટ સાધનો ઉપરાંત અસરગ્રસ્ત લોકો માટે સ્ટ્રેચર સહિતની સાધન સામગ્રી સાથે રક્ષક દળ ઉપલબ્ધ છે.
ભરૂચ ખાતે આપત્તિ વ્યવસ્થાપનમાં ૪૦૦થી વધુ સ્વયંસેવકો, વિવિધ NGO, ધાર્મિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓ તંત્ર સાથે ખભેથી ખભા મિલાવીને સેવામાં જોડાયા છે.
જિલ્લાના તમામ નાના-મોટા ડેમ અને જળાશયો પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાણીના સ્તરમાં વધારો થતાં જ સિંચાઈ વિભાગ દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક એલર્ટ જાહેર કરી સ્થાનિક નાગરિકોને સમયસર જાણ કરવામાં આવશે.
જિલ્લાની તમામ ગૌશાળાઓ અને પશુપાલકોને પશુઓને ખુલ્લા સ્થળે ન બાંધવા, તેમજ પૂરતું પાણી અને ઘાસચારાની વ્યવસ્થા જાળવવા પશુપાલન વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર તમામ નાગરિકોને અપીલ કરે છે કે, અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળે, નદી-નાળા, તળાવ, ડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે, પાણી ભરાયેલા રસ્તા અથવા કોઝવે પરથી વાહન પસાર ન કરે તેમજ વીજળીના થાંભલા, ખુલ્લા વાયર અને અન્ય જોખમી સ્થળોથી દૂર રહે.કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવે છે.
જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માધ્યમો દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી છે.




