ભરૂચમાં રેડ એલર્ટ વચ્ચે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા : પાણીના નિકાલ માટે ટીમો કાર્યરત

SHARE:

– તંત્ર અને પાલિકાની ટીમ સતર્ક થઈ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

– ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા સહિત અધિકારીઓએ લીધી મુલાકાત

– કસકમાં ભરાતા પાણીની વર્ષો જૂની સમસ્યાના નિકાલ માટે પાલિકાએ કામગીરી આગળ વધારી પાણીના નિકાલ માટે ટીમો કાર્યરત કરાઈ

– રેસ્ક્યુ અને સ્થાંળતર કરવાની ફરજ પડે તો તેની પણ તૈયારી : પાલિકા દ્વારા શેલ્ટર હોમ પણ તૈયાર કરાયા

ભરૂચ,

હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ગુરુવાર મોડી રાતથી શરૂ થયેલા વરસાદે ભરૂચ શહેરના મુખ્યમાર્ગો તેમજ અનેક નીચાણવાળા વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા હતા.ભારે વરસાદને કારણે પાંચબત્તી,કસક સર્કલ, સેવાશ્રમ રોડ અને ફુરજા બંદર,શંભુ ડેરી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી.અનેક સ્થળોએ વાહનચાલકોને ધીમી ગતિએ વાહનો ચલાવવાની ફરજ પડી હતી.જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને રોજિંદા કામકાજમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની હોવાનું જોવા મળ્યું હતું.બીજી તરફ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર પહેલેથી જ એલર્ટ મોડ પર હોવાથી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી.ભરૂચના એસડીએમ મનીષા મનાણી, નગર પાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા,ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ પાણી ભરાયેલા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.અધિકારીઓએ સંબંધિત વિભાગોને પાણીના ઝડપી નિકાલ સહિત જરૂરી કામગીરી કરવા સૂચના આપી હતી અને સ્થિતિ પર સતત મોનીટરીંગ રાખવામાં આવ્યું હતું.વધુ વરસાદ વરસે તો રેસ્ક્યુ અને સ્થાંળતર કરવાની ફરજ પડે તો તેની પણ તૈયારી કરવા સાથે શેલ્ટર હોમ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

ભારે વરસાદના પગલે પોલીસ પણ સતર્ક થઈ વરસાદી પાણી ભરાયેલ માર્ગો પર ચાલુ વરસાદે ફરજ પર તહેનાત કરવામાં આવી હતી અને વાહન ચાલકો કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે સુરક્ષિત માર્ગ પરથી વાહનો પસાર કરાવતા નજરે પડ્યા હતા. જોકે વરસાદનું જોર ઘટતા અને હાલ વરસાદ બંધ રહેતા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા હતા.જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.તેમ છતાં હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્ર સંપૂર્ણ સતર્ક છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!