– જિલ્લામાં ૫૨૯ ટીમો દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વે: ૩૯૯ સગર્ભા બહેનોની તપાસ કરી છેલ્લા બે દિવસમાં ૩૭ સફળ ડિલિવરી કરાવાઈ
– પૂર અસરગ્રસ્ત વિસ્તારો સહિત જિલ્લામાં પાણીના સ્ત્રોતનું આરસી ટેસ્ટિંગ મચ્છર રીડિંગ તેજ ચેકિંગ અને ક્લોરિન ટેબલેટ સત્તા ઓઆરએસ નું વિતરણ સાથે અસરકારક જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું
ભરૂચ,
હાલની ચોમાસાની અને ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં આરોગ્ય તપાસણી અને રોગ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ વિસ્તારોમાં કુલ ૫૨૯ જેટલી મેડિકલ અને પેરામેડિકલ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
ચોમાસાની ઋતુ દરમ્યાન વાહકજન્ય અને જળજન્ય રોગચાળાના અસરકારક નિયંત્રણ અને અટકાયત માટે તાલુકા હેલ્થ ઓફિસ અંતર્ગત હાંસોટ, નેત્રંગ, વાગરા, જંબુસર, ભરુચ ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તાર સહિત પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લામાં આરોગ્ય ટીમ દ્વારા ફિલ્ડ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જ્યાં ડહેલી, તુણા, આસરમા, કંબોલી, પાંજરોલી,ભરૂચ શહેર,નેત્રંગ, મગણાદ વગેરે ગામોનો સમાવેશ થાય છે. આ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ મેડિકલ અને પેરામેડિકલ ટીમ દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વે કરીને સામાન્ય નાગરિકોની પણ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન ફેલાતા તાવ તથા ઝાડા-ઉલટી જેવા રોગોના અટકાયત માટે સ્થળ પર જ જરૂરી પ્રાથમિક દવાઓ, ઓ.આર.એસના પેકેટ અને ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય ટીમો દ્વારા પાછલા એક સપ્તાહમાં ૩૯૯ જેટલી સગર્ભા બહેનોની રૂબરૂ મુલાકાત લઈ તેમની આરોગ્ય તપાસ અને જરૂરી કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું હતું.વરસાદી પરિસ્થિતિ અને પૂરના જોખમને ધ્યાને રાખીને, નદી કાંઠાના વિસ્તારોમાંથી ૪૧ જેટલી સગર્ભા બહેનોને સલામત રીતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જેમાંથી છેલ્લા બે દિવસમાં ૩૭ બહેનોની સફળ ડિલિવરી પણ કરાવવામાં આવી છે. જેમાંથી અતિ જોખમી હોય એવી ૩ ડિલિવરી કરાવાઈ અને નજીકમાં ડિલિવરી આવતી હોય એવી ૩ મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ મેડિકલ અને પેરામેડિકલ ટીમ દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વે કરીને સામાન્ય નાગરિકોની પણ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.ચોમાસા દરમ્યાન ફેલાતા તાવ તથા ઝાડા-ઉલટી જેવા રોગોના અટકાયત માટે સ્થળ પર જ જરૂરી પ્રાથમિક દવાઓ,ઓ.આર.એસના પેકેટ અને ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય કર્મચારીઓ દ્વારા પીવાના પાણીના ક્લોરીનેશન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.મચ્છરજન્ય રોગોના ઉપદ્રવને રોકવા માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.આ સાથે જ ચોમાસાની ઋતુમાં રોગચાળાથી બચવા માટે ગ્રામજનોમાં જરૂરી જનજાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી.આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના તમામ નાગરિકોને પોતાના ઘર અને આસપાસનો પરિસર સ્વચ્છ રાખવા તથા અપીલ કરવામાં આવી રહી છે.




