ભરૂચ,
જીવનની મસ્તીમાં ચૂર થઈને એકસાથે નીકળેલા મિત્રોને ખબર ન હોતી કે આજની આ રમત તેમના માટે આખરી સાબિત થશે.વાગરા તાલુકાના લીમડી-અંભેલ માર્ગ પર આવેલો કાંસ આજે બે પરિવારો માટે કાળમુખો સાબિત થયો છે.ગરમીથી રાહત મેળવવા અને સંગાથ માણવા પાણીમાં ઉતરેલા મિત્રોની ખુશીઓ ક્ષણવારમાં ચીસાચીસમાં ફેરવાઈ ગઈ. કુદરતની એવી તો નિર્દય ક્રૂરતા સામસામે આવી કે જોતજોતામાં ઊંડા પાણીનો પ્રવાહ લીમડી ગામના બે આશાસ્પદ યુવાનોને ખેંચી ગયો.કાંસના કિનારે બેઠેલા સાથીઓએ પોતાના જીવના જોખમે એક મિત્રને તો કાળના મુખમાંથી સહીસલામત બહાર ખેંચી લીધો, પરંતુ બાકીના બે મિત્રો ઊંડા જળમાં ઓઝલ થઈ ગયા છે.
આ કાળજા કંપાવનારા સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આખું લીમડી ગામ ઘટના સ્થળે દોડી આવ્યું હતું.વહાલસોયા દીકરાઓને આંખો સામેથી ગાયબ થયેલા જોઈને માતા-પિતા અને પરિવારજનોના હૃદયવિદારક આક્રંદથી સીમ-વગડો પણ રોઈ પડ્યો છે.હાલ તો સ્થાનિક તરવૈયાઓ, વાગરા પોલીસ અને ૧૦૮ ની ટીમ દ્વારા પાણીના ઊંડાણમાં બંને યુવકોની શોધખોળ ચાલી રહી છે.પરંતુ કિનારે ઊભેલા લોકોની ભીની આંખો અને મૌન ઉપાસના માત્ર એક જ આશા સેવી રહી છે કે કોઈ ચમત્કાર થાય.જ્યાં ઘડીઓ પહેલાં જુવાનીનો થનગનાટ હતો, ત્યાં હવે માત્ર માતમ અને કાળજું કોરી ખાતો કરૂણ સન્નાટો વ્યાપી ગયો છે.લાપતા બનેલા યુવકોને શોધવા આખો વિસ્તાર ઘમરોણવામાં આવી રહ્યો છે.




