વાગરાના લીમડી ગામમાં કાળનો કહેર : બે જુવાન દીકરાઓ પાણીમાં ગરકાવ થતા મહંમદ અને તબરેજના મોતથી સમગ્ર ગામ શોકમાં ડૂબ્યું!

SHARE:

ભરૂચ,

વાગરા તાલુકાના લીમડી-અંભેલ માર્ગ પર આવેલા કાંસમાં સર્જાયેલી દુર્ઘટનાએ આખા લીમડી ગામને હચમચાવી નાખ્યું છે. મોજમસ્તી માટે પાણીમાં ઉતરેલા બે આશાસ્પદ યુવાનો ક્યારેય પરત નહીં ફરે એવી કરૂણ ઘટનાએ પરિવારજનોના સપનાઓને પળવારમાં વિખેરી નાખ્યા છે. એક જ ગામના બે જુવાન દીકરાઓના એકસાથે થયેલા મોતથી સમગ્ર પંથકમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ભરૂચના SDM, ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ, વાગરા પોલીસ, 108 ની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓએ યુદ્ધના ધોરણે બચાવ અને શોધખોળની કામગીરી શરૂ કરી હતી. કલાકોની જહેમત બાદ સૌપ્રથમ લીમડી ગામના 21 વર્ષીય મહંમદ ઇલ્યાસ ગર્ગરની બોડી મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. તો બીજી તરફ, લાપતા 20 વર્ષીય તબરેજ મુબારક પટેલને શોધવા માટે રાત્રીના અંધકારમાં પણ રેસ્ક્યુ ટીમે આશા ન છોડી. ટોર્ચના સહારે ઊંડા પાણીમાં સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. ગ્રામજનો પણ પોતાની તમામ શક્તિ સાથે તંત્રની મદદમાં જોડાયા હતા. દરેક વ્યક્તિની એક જ પ્રાર્થના હતી કે, તબરેજ જીવતો મળી આવે, પરંતુ અંતે તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.લાંબી શોધખોળ બાદ તબરેજનો પણ મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં હૈયાફાટ રુદન મચી ગયું હતું.બંને આશાસ્પદ યુવકોના કરૂણ મોતથી સમગ્ર લીમડી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને ગામ હિબકે ચઢ્યું છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો, સગા-સંબંધીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. આરોગ્ય કેન્દ્ર પર ભારે જનમેદની ઉમટી પડતા કરૂણ દૃશ્યો સર્જાયા હતા. પોતાના વહાલસોયા યુવાનોને ગુમાવવાના દુઃખમાં પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.આ દુઃખદ ઘટનાએ લીમડી ગામની એકતા અને માનવતાનું અનોખું દૃશ્ય પણ રજૂ કર્યું હતું. સેંકડો ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. યુવાનો, વડીલો અને મહિલાઓ સૌ કોઈ ભારે વ્યથિત મનથી રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ટીમ અને પોલીસને દરેક રીતે સહકાર આપ્યો હતો, પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એક જ દિવસે બે યુવાન દીકરાઓને ગુમાવનાર બંને પરિવારો પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગામની ગલીઓમાં હાલ શોકની શાંતિ છે, દરેક ચહેરા પર દુઃખની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી છે. હસતાં-રમતાં બે યુવાનોના અકાળ અવસાનથી માત્ર તેમના પરિવારો જ નહીં, પરંતુ સમગ્ર લીમડી ગામ આઘાતમાં ગરકાવ થઈ ગયું છે. આ કરૂણ ઘટના લાંબા સમય સુધી લોકોના હૃદયમાં એક અવિસ્મરણીય દુઃખદ યાદ બની રહેશે. વાગરા પોલીસે સમગ્ર ઘટનાને લઈ ગુનો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ કરૂણ બનાવ બાદ તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલ ચોમાસાની ઋતુમાં નદી, કાંસ, તળાવ કે અન્ય અજાણી પાણી ભરેલી જગ્યાઓમાં જવાનું ટાળવું જોઈએ. ઊંડા પાણીના જોખમને ધ્યાનમાં રાખી નાગરિકોએ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું અને પોતાના તેમજ પરિવારજનોના જીવની સુરક્ષા માટે સતર્ક રહેવું જરૂરી છે.

આ ઘટનાએ હવે માત્ર દુઃખ જ નહીં પરંતુ ગંભીર સવાલો પણ ઉભા કર્યા છે. પંથકના કેટલાક જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે લીમડી-અંભેલ માર્ગ પાસે આવેલા સ્થળે 20 થી 25 ફૂટ જેટલો ઊંડો કાંસ ખોદવામાં આવ્યો હતો, જે જોખમી હોવા છતાં તેની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નહોતી. નાગરિકોનું કહેવું છે કે જો આ ઊંડા કાંસ અંગે સમયસર તકેદારી રાખવામાં આવી હોત અથવા યોગ્ય ચેતવણીના બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોત તો કદાચ બે આશાસ્પદ યુવકોના જીવ બચી શક્યા હોત. આ દુર્ઘટના બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આખરે આટલો ઊંડો કાંસ કોણે અને કયા હેતુથી ખોદ્યો હતો? તેની જવાબદારી કોની છે? સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. નિર્દોષ પરિવારોના દીકરાઓનો ભોગ લેવાયા બાદ તંત્રએ પણ ગંભીરતા દાખવી આવા જોખમી સ્થળોની ઓળખ કરી જરૂરી સુરક્ષા પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

લીમડી-અંભેલ માર્ગ પર આવેલા કાંસમાં સર્જાયેલી કરૂણ દુર્ઘટનાએ જ્યાં બે આશાસ્પદ યુવકોના જીવ છીનવી લીધા છે, ત્યારે આ ઘટના બાદ વાગરા પંથકમાં આપત્તિ વ્યવસ્થાપન અને તંત્રની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ, 112, 108 સહિત ભરૂચ SDM અને ભરૂચ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. અને બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા હતા. જોકે, તાલુકાના પ્રથમ નાગરિક ગણાતા વાગરા મામલતદાર વિરલ વસાવા ઘટના સ્થળે લગભગ રાત્રે 8 વાગ્યાના સમયગાળા દરમિયાન પહોંચ્યા હોવાની ચર્ચાને લઈને પણ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ગંભીર દુર્ઘટના સમયે જવાબદાર અધિકારીઓની તાત્કાલિક હાજરી કેટલી મહત્વની છે, તે અંગે લોકોમાં સવાલો ઉઠ્યા છે. તો બીજી તરફ, વાગરા જેવા વિશાળ વિસ્તારમાં આજે પણ ઈમરજન્સી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. મૃતદેહ લઈ જવા માટે સબ વાહિનીની સુવિધા ન હોવી તેમજ સ્થાનિક સ્તરે ફાયર સ્ટેશન અને રેસ્ક્યુ ટીમ ઉપલબ્ધ ન હોવાને લઈને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.જાગૃત નાગરિકોનું કહેવું છે કે જો વાગરા ખાતે પોતાની ફાયર ટીમ અથવા રેસ્ક્યુ ટીમ ઉપલબ્ધ હોત તો ભરૂચથી ટીમ પહોંચે ત્યાં સુધીનો કિંમતી સમય બચી શક્યો હોત. આપત્તિના સમયે દરેક ક્ષણ મહત્વની હોય છે. ત્યારે તાલુકા મથકે પૂરતી સુવિધાઓ હોવી જરૂરી છે. લીમડી દુર્ઘટનાએ માત્ર બે પરિવારોને જ નહીં, પરંતુ સમગ્ર વાગરા પંથકને ઝંઝોળી નાખ્યો છે. હવે તંત્ર આ ઘટનામાંથી બોધ લઈ ઈમરજન્સી સુવિધાઓ મજબૂત કરે અને જવાબદારીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બને તેવી લોકમાંગ ઉઠી રહી છે.

કટોકટીના સમયે સ્થાનિક સ્તરે તાત્કાલિક ઈમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ હોવી કેટલી જરૂરી છે, તેનો કડવો અનુભવ વાગરા પંથક અનેક વખત કરી ચૂક્યો છે. લીમડી દુર્ઘટનામાં બે યુવાનોના કરૂણ મોત બાદ હવે ફરી એકવાર વાગરામાં ફાયર સ્ટેશન, રેસ્ક્યુ ટીમ અને સબ વાહન જેવી મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ કોઈ પહેલી વારની ઘટના નથી કે જેમાં વાગરા પંથકને ઈમરજન્સી સુવિધાઓના અભાવની કિંમત ચૂકવવી પડી હોય. ગત વર્ષ 2023માં પણ મુલેર ગામના એક જ પરિવારના 6 સભ્યોના ડૂબી જવાથી થયેલા કરૂણ મોતની ઘટના સમગ્ર પંથકને હચમચાવી ગઈ હતી. મે 2023માં મુલેર ગામનો ગોહિલ પરિવાર ગંધાર ગામ નજીક દરિયા કિનારે ફરવા ગયો હતો, જ્યાં કાદવવાળી જમીનમાં ફસાયા બાદ અચાનક ભરતી આવતા પાણીનું સ્તર વધી ગયું હતું. બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળતા બે માસૂમ બાળકીઓ સહિત પરિવારના 6 સભ્યોના મોત થયા હતા, જ્યારે બે દીકરીઓનો સ્થાનિક લોકોએ જીવ બચાવ્યો હતો. આ કરૂણ ઘટનામાં એકસાથે 6 ચિતાઓ સળગી હતી. અને સમગ્ર પંથક શોકમાં ગરકાવ થયું હતું. તે સમયે પણ ફાયર સ્ટેશન અને રેસ્ક્યુ સુવિધાની જરૂરિયાત અંગે ચર્ચાઓ ઉઠી હતી. છતાં વર્ષો વીતી ગયા બાદ પણ વાગરાને પોતાની ફાયર સેવા અને સબ વાહન જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ મળી નથી, જેને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે દુર્ઘટના સમયે તંત્ર તેમજ નેતાઓ દ્વારા માત્ર મુલાકાતો અને આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ માટે જરૂરી પગલાં લેવામાં આવતા નથી. મોટા ઔદ્યોગિક વિસ્તાર અને વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતા વાગરા તાલુકામાં આજે પણ ઈમરજન્સી સુવિધાઓનો અભાવ ગંભીર બેદરકારી સમાન છે. લીમડી દુર્ઘટનાએ ફરી એકવાર એ જ સવાલ ઊભો કર્યો છે કે શું તંત્ર અને નેતાઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? હવે લોકોની માંગ છે કે વધુ નિર્દોષ જીવ ગુમાય તે પહેલાં વાગરા તાલુકામાં તાત્કાલિક ફાયર સ્ટેશન, રેસ્ક્યુ ટીમ અને જરૂરી ઈમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!