વરસાદના વિરામ વચ્ચે ઢાઢર નદીમાં જળસ્તરમાં આંશિક વધારો થતા નદી કાંઠાના ખેતરોમાં પાણી ઘૂસ્યા

SHARE:

ભરૂચ,

આમોદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ બાદ સોમવારના રોજ વાતાવરણમાં આંશિક ફેરફાર જોવા મળ્યો હતો.આજરોજ સવારથી જ સૂર્યનારાયણે દર્શન આપતા સોનેરી તડકો નીકળ્યો હતો.જેના કારણે સતત વરસાદથી પરેશાન બનેલા લોકોને રાહતનો અનુભવ થયો હતો.જોકે વરસાદે વિરામ લીધો હોવા છતાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની અસર આમોદ વિસ્તારમાં સ્પષ્ટપણે જોવા મળી હતી.

ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને કારણે આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીના જળસ્તરમાં વધારો નોંધાયો હતો.નદીનું જળસ્તર ૯૭ ફૂટની સપાટી વટાવીને આશરે ૯૭.૫ ફૂટ સુધી પહોંચતાં નદી કાંઠાના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું.પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઈ જતાં નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ હતી.ઢાઢર નદીમાં પાણી વધતાં નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.સ્થાનિક લોકો પણ સતત નદીના જળસ્તર પર નજર રાખી રહ્યા છે.દરમ્યાન તંત્ર દ્વારા નદીકાંઠાના ગામોના સરપંચો, ગ્રામજનો અને સંબંધિત વિભાગોને સતર્ક કરવામાં આવ્યા છે.નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સાવચેતી રાખવા, નદીના પ્રવાહની નજીક ન જવા તથા કોઈપણ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક વહીવટી તંત્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

હાલમાં આમોદ વિસ્તારમાં વરસાદી માહોલમાં થોડો વિરામ જોવા મળી રહ્યો છે,પરંતુ ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં ઢાઢર નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!