જંબુસરના નહાર ગામે ગ્રામ સભામાં તળાવને મચ્છી ઉદ્યોગ માટે આપવાના મુદ્દે હોબાળો અને ઉગ્ર વિરોધ થતા પોલીસ દોડી

SHARE:

– રાજકીય કિન્નાખોરીના આક્ષેપો વચ્ચે મકવાણા સમાજ અને મોરી સમાજ આમને-સામને આવી ગયા 

– આગામી બે મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી મુદ્દો ગરમાયો : છેલ્લા 14 ટર્મથી સમરસ થતી ગ્રામ પંચાયત પરંપરા જળવાશે કે તૂટશે 

ભરૂચ,

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે આજે યોજાયેલી ગ્રામસભા દરમ્યાન ગામના તળાવને મચ્છી ઉદ્યોગ માટે આપવાના મુદ્દે ભારે હોબાળો અને ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો.બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પરિસ્થિતિ તંગ બની હતી.પરિણામે ગ્રામસભા અધૂરી રાખીને મુલતવી રાખવાની ફરજ પડી હતી.કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ પી.મોરીના વતન એવા નહાર ગામે છેલ્લા અંદાજે 70 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતની પરંપરા જળવાઈ રહી છે અને સતત 14 ટર્મથી ગ્રામ પંચાયત સમરસ રહી છે.ગામમાં મુખ્યત્વે મકવાણા સમાજ અને મોરી સમાજની વસ્તી વસે છે.

માહિતી મુજબ ગામનું તળાવ છેલ્લા 21 વર્ષથી મચ્છી ઉદ્યોગ માટે આપવામાં આવતું રહ્યું છે.જોકે આ વખતે આ મુદ્દે રાજકીય કિન્નાખોરીના આક્ષેપો વચ્ચે મકવાણા સમાજ અને મોરી સમાજ આમને-સામને આવી ગયા હોવાનું સામે આવ્યું છે.ગ્રામસભામાં બંને પક્ષોએ પોતાના મત અને વાંધા ઉગ્ર રીતે રજૂ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું.ગામમાં આગામી બે મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે, છેલ્લા 70 વર્ષથી જળવાયેલી સમરસની પરંપરા યથાવત રહેશે કે પછી આ વખતે ચૂંટણી યોજાશે.હાલ સમગ્ર જંબુસર તાલુકાની નજર નહાર ગામની આગામી રાજકીય પરિસ્થિતિ અને ગ્રામ પંચાયતની ચૂંટણી પર કેન્દ્રિત થઈ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!