– પોલીસે તપાસ તેજ કરી દરેક પાસાની ઝીણવટપૂર્વક તપાસ હાથધરી
ભરૂચ,
જંબુસર તાલુકાના સારોદ ગામે નોંધાયેલા ગૌહત્યા અને ગૌમાંસ કેસમાં વેડચ પોલીસે તપાસને વધુ મજબૂત બનાવવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું.પોલીસ દ્વારા કડક બંદોબસ્ત વચ્ચે ઘટનાક્રમનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. કેસની તપાસ હજુ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે નોંધાયેલા ગૌહત્યા અને ગૌમાંસના ચર્ચાસ્પદ કેસમાં વેડચ પોલીસે તપાસને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથધરી હતી.
તપાસના ભાગરૂપે પોલીસે આરોપી સોયબ ઈસ્માઇલ દાસ, મુસ્તકીમ યાકુબ દાસ અને નઝીર મહમદ બાપુની સહિત અન્ય આરોપીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું રીકન્સ્ટ્રક્શન (પુનઃનિર્માણ) કરાવ્યું.
પોલીસે સ્થળ પર આરોપીઓ પાસેથી ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો,ઘટનાનો ક્રમ શું હતો,કયા સ્થળે અને કયા સંજોગોમાં ઘટના બની હતી તે અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કેસને ઉપયોગી બની શકે તેવા પુરાવાઓ અને અન્ય તથ્યોની પણ ચકાસણી કરવામાં આવી હતી.
રીકન્સ્ટ્રક્શન દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા મુજબ પૂર્ણ કરવામાં આવી હતી.
વેડચ પોલીસના જણાવ્યા મુજબ કેસની તપાસ હજુ ચાલુ છે. તપાસ દરમિયાન મળતા પુરાવા, ફોરેન્સિક માહિતી તેમજ અન્ય તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જણાવ્યું છે કે કેસના દરેક પાસાની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જેથી ઘટનાની સંપૂર્ણ હકીકત સામે આવી શકે.




