– દુકાનદારો દ્વારા પોતાનો માલસામાન તેમજ ટેબલ ખુરશી દુકાન બહાર મુકતા વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી : આડેધડ પાર્કિંગથી વાહન ચાલકોને પરેશાની
– તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરે જેથી માર્ગ ખુલ્લો થવા સાથે વાહન ચાલકોને સરળતા રહે
ભરૂચ,
ભરૂચ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. દુકાનદારો દ્વારા કરવામાં આવતા આડેધડ દબાણ તેમજ વાહનો પાર્ક કરવામાં આવતા માર્ગ સાંકળા થતા ટ્રાફિકમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે.જેના કારણે અન્ય વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
ભરૂચ ઔદ્યોગિક જીલ્લો હોવાથી અહીં અન્ય રાજ્યો અને જીલ્લામાં રોજી રોટી માટે મોટી માત્રામાં લોકો આવતા હોય છે. જેને પગલે જીલ્લામાં વસ્તી માં પણ વધારો થઈ રહ્યો છે.તો બીજી તરફ શહેરના મુખ્યમાર્ગો પર આવેલી દુકાનના સંચાલકો દ્વારા પોતાનો માલસામાન, ગ્રાહકોને બેસવા ટેબલ ખુરશી દુકાનની બહાર કાઢતા માર્ગો સાંકળા બની રહ્યા છે.દુકાનદારો દ્વારા આડેધડ દબાણ કરતા વાહન વ્યવહાર અવરોધાઈ રહ્યો છે.સાથે રહેદારીઓને ચાલવા માટે જગ્યા નહીં મળતા તેઓ પણ રોડ પર ચાલવા મજબુર બનતા હોય છે.જેથી વાહન ચાલકોને પોતાના વાહનો પાર્ક કરવા માટે જગ્યા નહીં મળતા આડેધડ પાર્કિંગ કરતા ધણીવાર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાય છે.
ભરૂચ વહીવતટી તંત્ર દ્વારા થોડા થોડા સમયે દબાણ દૂર કરવાની કામગીરી કરતી હોય છે. પરંતુ દબાણ કામગીરી બાદ પુનઃ એ સ્થળે દુકાનદારરો દ્વારા દબાણ કરવામાં આવતું હોય છે. જેના પગલે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. જોકે તંત્ર દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું હોય તો દેખાવ પૂરતી કામગીરી નહીં પરંતુ કડક કાર્યવાહી કરવી પડે જેથી શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ નહીં અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં.
આડેધડ દબાણ અને પાર્કિંગના કારણે અન્ય વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.આગામી દિવસોમાં તહેવારો નજીક હોય ટ્રાફિક સમસ્યા વધુ વકરી શકે છે.ત્યારે તંત્રએ આડેધડ કરવામાં આવતા દબાણ અને વાહન પાર્ક સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે જેથી વાહન ચાલકો યોગ્ય રીતે વાહનો પાર્ક કરે તો ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે છે.




