ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ પરિપત્રનો ઝઘડિયાના વકીલોએ હોળી કરી વિરોધ નોંધાવ્યો

SHARE:

– પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઈલિંગ માટે એ-૪ સાઈઝના પેપર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લિપિનો ઉપયોગ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા પરિપત્રનો ઝઘડિયા તાલુકા સહિત રાજ્યભરના બાર એસોસિએશ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.નવા નિયમોના વિરોધમાં ઝઘડિયા તાલુકાના કોર્ટ બાર એસોસિએશન ના વકીલોએ શુક્રવારે કોર્ટની કાર્યવાહીથી અળગા રહી હડતાળ કરી વિરોધ નોંધાવ્યો હતો.

વકીલોના જણાવ્યા મુજબ સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઈલિંગ માટે જરૂરી સુવિધાઓ હજુ પૂરતી ઉપલબ્ધ ન હોવાથી હાઈકોર્ટના નવા નિયમોનું પાલન કરવું ખાસ કરીને તાલુકા લેવલે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોય મુશ્કેલ બની રહ્યું છે. આ નિર્ણયને કારણે ઝઘડિયા તાલુકાના વકીલોમાં ભારે અસંતોષ ફેલાયો હતો.વિરોધના ભાગરૂપે ઝઘડિયા તાલુકા કોર્ટ બાર એસોસિએશન ના સભ્યો કોર્ટ સંકુલની બહાર એકત્રિત થયા હતા.તેમણે હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.ઝઘડિયા બાર એસોસિયનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરીયા ઉપપ્રમુખ સ્મિત વસાવા, સેક્રેટરી અમિત ચૌહાણ, સિનિયર એડવોકેટ દિલિપસિંહ નકુમ, રોહીત શાહ, સમસુદ્દીન શેખ, ગીતાબેન શાહ, નયનાબેન પટેલ, સહિત બાર એસોસિએશનના કમિટી સભ્યો તથા વકીલ સભ્યોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોર્ટ કાર્યવાહી દરમિયાન જ ચાલુ કાર્યવાહીએ અરજી આપવી હોય તો વકીલે તાત્કાલિક તે અરજી આપવી અશક્ય છે! હાઈકોર્ટના પરિપત્ર મુજબની અરજી આપવા માટે સમય જોઈએ અથવા મુદત જોઈએ અને આ તમામ વધારાનો ખર્ચો વકીલો તથા તેમના અસીલો પર આવશે ! જેથીજ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદત સુધી કોર્ટની કામગીરી થી ઝઘડિયા વકીલ મંડળ અળગા (હડતાળ) રહેશે.

દરમ્યાન જાણવા મળ્યું છે કે રાજ્યભરના બાર એસોસિએશનોના વિરોધના પગલે નામદાર ગુજરાત હાઈકોર્ટ એ-૪ સાઈઝ પેપર અને નિર્ધારિત ફોન્ટ સંબંધિત બહાર પાડેલા પરિપત્રના અમલીકરણને મોકૂફ નહીં રાખે ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના બાર એસોસિએશન ઉપરાંત ગુજરાતના અન્ય અનેક જિલ્લાઓમાં પણ બાર એસોસિએશન દ્વારા હડતાળ અને વિરોધ કાર્યક્રમો યોજાયા હતા, જેના કારણે અનેક સ્થળોએ કોર્ટની નિયમિત કામગીરી પર અસર જોવા મળી હતી. જેના પગલે અસીલોના ટોળે ટોળાં કોર્ટની બહાર જોવા મળ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!