(વિજય વસાવા,નેત્રંગ)
વાલીયામાં રહેતા એક કંપનીના સિનિયર અધિકારી સાથે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવાની લાલચ આપીને મોબાઈલ હેક કરી ૮૩,૫૦૫ નો ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યો છે.આ અંગે વાલીયા પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ વાલીયા ખાતે રહેતા કિરીટસિંહ નરેન્દ્રસિંહ યાદવ એક કંપનીમાં સિનિયર અધિકારી તરીકે નોકરી કરે છે. ગત તા.૨૦-૦૭-૨૬ના રોજ સવારે સાડા દસ વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો.
ફોન કરનારે હિન્દીમાં વાત કરતા જણાવ્યું કે “હું બેંક માંથી બોલું છું. તમારા એક્સિસ ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપીશ”. કિરીટસિંહે વાત પર વિશ્વાસ મૂક્યો હતો.ત્યાર બાદ આરોપીએ એક્સિસ મોબાઈલ એપ ખોલીને તેમાં ક્રેડિટ કાર્ડની વિગતો નાખવાનું કહ્યું. કિરીટસિંહે વિગતો નાખતા “ફેઈલ્ડ”નો ઓપ્શન આવ્યો.ત્યાર બાદ આરોપીએ તેમના મોબાઈલ પર એક એપ્લીકેશનની ફાઈલ મોકલીને ડાઉનલોડ કરવા કહ્યું. જેવા જ કિરીટસિંહે તે ફાઈલ ડાઉનલોડ કરી કે તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો.થોડીવારમાં જ કિરીટસિંહના ઈ-મેલ પર તેમના ક્રેડિટ કાર્ડમાંથી વિવિધ ટ્રાન્ઝેક્શનમાં કુલ ૮૩,૫૦૫ ડેબિટ થયા હોવાના મેસેજ આવ્યા હતા.પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા કિરીટસિંહે વાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આઈપીસી અને આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથધરી છે.
સાયબર છેતરપિંડીથી બચવા માટે બેંક કે કોઈપણ સંસ્થાના નામે આવતા અજાણ્યા કોલ પર વિશ્વાસ ન કરવો. OTP, કાર્ડની વિગતો કે લિંક શેર ન કરવી. શંકાસ્પદ એપ ડાઉનલોડ ન કરવી. આવો કોલ આવે તો તાત્કાલિક સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ કરવી.




