– આમોદ પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી ઝીણવટભરી તપાસ હાથધરી
ભરૂચ,
આમોદમાં આછોદ રોડ ઉપર આવેલી દારૂલ ઉલૂમ હિદાવતઉલ ઈસ્લામ મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ મેળવી રહેલા મણિપુરના ૧૬ વર્ષીય યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં આમોદ પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ મણિપુર રાજ્યના થોમ્બલ જિલ્લાના લીલોંગ તાલુકાના હાઓરેઈલી ગામના રહેવાસી ખુરશીદ આલમ બુરહાનુદ્દીન ડોલાઈબમ ઉંમર ૧૬ વર્ષ આમોદની દારૂલ ઉલૂમ હિદાવતઉલ ઈસ્લામ મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા હતો.ગત રાત્રિના સમયે મદ્રેસાથી બે ખેતર દૂર આવેલા લીમડાની ડાળ સાથે ચાદર બાંધી જીવન ટૂંકાવી મોત વ્હાલુ કર્યું હતું.જે અંગે મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ આપતા મહંમદ તૈયબ સુલેમાન પટેલે આમોદ પોલીસને જાણ કરી હતી.૧૬ વર્ષીય યુવકના રહસ્યમય મોતને પગલે આમોદ પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી યુવકના મોત પાછળના કારણો જાણવા વધુ ઝીણવટભરી તપાસ હાથધરી હતી. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાની હકીકત અને મોતનું ચોક્કસ કારણ સામે આવવાની શક્યતા છે.




