ભરૂચ,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલા ગડખોલ વિસ્તારની આનંદ વિહાર સોસાયટીમાં એક હૃદયકંપાવનારી હત્યાની ઘટના સામે આવી છે.સોસાયટીમાં રહેતી 39 વર્ષીય મહિલાની અજાણ્યા શખ્સ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ અને દહેશતનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર અજાણ્યા હુમલાખોરે અંકલેશ્વર ખાતે આવેલા ગડખોલ વિસ્તારની આનંદ વિહાર સોસાયટીમાં રહેતી 39 વર્ષીય રમિલાબાઈ પર તીક્ષ્ણ કે ધારદાર હથિયાર વડે હુમલો કરી તેમના શરીરના અલગ-અલગ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.રક્તરંજિત હાલતમાં ઈજાઓ થવાના કારણે રમિલાબાઈનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.હત્યાની આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.હત્યાની ઘટના અંગેની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો.પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે અને બનાવ અંગે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથધરી છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવા એફએસએલની ટીમની મદદ લીધી છે.આ ઉપરાંત આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે સ્થાનિક લોકો અને પરિજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જૂની અદાવત, અંગત વૈર કે પછી કોઈ અન્ય કારણોસર આ હત્યા કરવામાં આવી છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.




