– અંગઝડતી તથા દાવ પરથી રોકડા, સ્માર્ટફોન અને મોટર સાયકલ મળી કુલ ૧,૦૮,૮૯૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ,
ભરૂચના કોઠી વડાપડા વિસ્તારમાં ધમધમતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે ત્રાટકીને મોટો પર્દાફાશ કર્યો છે.પોલીસે દરોડા દરમ્યાન મકાન માલિક જિગર સોની સહિત કુલ ૭ જુગારીઓને તીન-પત્તી રમતા રંગેહાથ પકડી પાડી કાર્યવાહી હાથધરી હતી.
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ સમગ્ર રાજ્ય શિવભક્તિ અને આધ્યાત્મિકતાના રંગે રંગાયું છે પરંતુ વિરોધાભાસ એ છે કે, આ પવિત્ર દિવસોમાં જ જુગાર રમવાની સામાજિક બદી પણ વ્યાપકપણે માથું ઊંચકે છે.શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે ભરૂચ શહેર બી ડિવિઝનમાંથી આવી જ એક ઘટના સામે આવી છે જ્યાં જુગારની ક્લબનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.
ભરૂચ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કોઠી વડાપડા વિસ્તારમાં ખાનગી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે અચાનક છાપો માર્યો હતો.કોઠી વડાપડા સ્થિત જિગર સોની નામના શખ્સના મકાનમાં ધમધમતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે ત્રાટકીને સ્થળ પરથી મકાનમાલિક જિગર સોની સહિત કુલ ૭ જુગારીઓને તીન-પત્તીનો હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસે અંગઝડતી તથા દાવ પરથી રોકડા, સ્માર્ટફોન અને મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૧,૦૮,૮૯૦ નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.




