આમોદમાં દેશભક્તિના માહોલ સાથે બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ

SHARE:

– તાલુકા વહીવટી તંત્ર,પોલીસ જવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા

ભરૂચ,

આમોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણ માંથી દેશભક્તિની ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.અંદાજે બે કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રામાં આમોદના નાગરિકો, વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી જવાનો, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

તિરંગા યાત્રાની શરૂઆત પહેલાં રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત ‘વંદે માતરમ્’ નું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ દેશભક્તિના ગીતો અને ડી.જે.ના તાલ સાથે તિરંગા યાત્રા પ્રસ્થાન પામી હતી.જેમાં ભારતમાતાની વેશભૂષા ધારણ કરેલી બાળાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.યાત્રામાં ભગવા વસ્ત્રધારી ધારાસભ્ય ડી.કે.સ્વામી હાથમાં તિરંગો લઈને જોડાયા હતા અને ઉપસ્થિત સૌમાં દેશભક્તિનો ઉત્સાહ વધાર્યો હતો.તિરંગા યાત્રાના માર્ગ ઉપર આવેલી ભગવાન બિરસા મુંડા તેમજ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અધિકારી અને પદાધિકારીઓએ પુષ્પમાળા પહેરાવી કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

તિરંગા યાત્રામાં પોલીસ વિભાગના જવાનો, હોમગાર્ડ તથા જીઆરડીના જવાનો પણ જોડાયા હતા. સાથે સાથે આમોદ શહેર અને તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાથમાં તિરંગા લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દેશભક્તિના ગીતોના તાલ સાથે ભારત માતાના જયઘોષ કરતા આગળ વધતા જોવા મળ્યા હતા.

યાત્રાના માર્ગ પર ‘ભારત માતા કી જય’, ‘માતરમ્ માતરમ્’ અને ‘વંદે માતરમ્’ જેવા દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.તિરંગાની લહેર અને દેશભક્તિના ગીતોથી આમોદમાં જાણે રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાતા સમગ્ર કાર્યક્રમમાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ જોવા મળ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!