– ના જ્ઞાતિવાદ, ના પ્રાંતવાદ કે ના ભાષાવાદ, માત્રને માત્ર ‘રાષ્ટ્રવાદ’ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ : પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયા
– તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનું કરાયુ અભિવાદન
– પ્રભારીમંત્રીએ ઝઘડીયા તાલુકાના વિકાસ માટે ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો
ભરૂચ,
૧૫મી ઓગસ્ટ આઝાદીના મહાપર્વ નિમિત્તે દેશભક્તિસભર વાતાવરણમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) વિભાગના માનનીય રાજ્યકક્ષાના મંત્રી અને પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે વંદે રાષ્ટ્રગીત વંદે માતરમના ગાન બાદ ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી. તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, આ પવિત્ર પ્રસંગે મહર્ષિ ભૃગુની ભૂમિ પરથી ૧૮૫૭ના વિપ્લવથી લઈને ૧૯૪૭ સુધી દેશ માટે બલિદાન આપનાર તમામ અમર શહીદો અને કર્મવીરોને ભાવાંજલિ અર્પણ કરી હતી. સાથોસાથ ભરૂચ જિલ્લાની વિભૂતિઓનું સ્મરણ કરતા કનૈયાલાલ માણેકલાલ મુનશી,પંડિત ઓમકારનાથ ઠાકુર, ચંદુલાલ દેસાઈ, જેવા દેશભક્તોના પ્રદાનને યાદ કરીને નમન કર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે, આજે આપણો દેશ ભારત ‘રાષ્ટ્રીય સૌહાર્દ’ અને ‘વસુધૈવ કુટુંબકમ્’ના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે.આજે ૧૪૦ કરોડ દેશવાસીઓ એક દિશામાં, એક હૃદય સાથે આગળ વધી રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી.તેમણે કહ્યું કે એક સમયે ગરીબોના હક લૂંટનારા વચેટિયાઓ માટે હવે કોઈ સ્થાન નથી રહ્યું. ‘ડિજિટલ પેમેન્ટ’ અને Direct Benefit Transfer (DBT) ના માધ્યમથી આજે ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી સીધો લાભ પહોંચી રહ્યો છે.ભારત આજે વિશ્વનું સૌથી મોટું ડિજિટલ પેમેન્ટ નેટવર્ક બની ચૂક્યું છે.
સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા બાબતે તેમણે ભારપૂર્વક કહ્યું કે, એક સમયે નાના પાર્ટ્સ માટે પણ આયાત પર નિર્ભર દેશ જે પોતાની ધરતી પર ફાઈટર પ્લેન અને સુરતના હજીરામાં આધુનિક ટેન્કનું નિર્માણ કરી રહ્યો છે.નક્સલવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કડક પ્રહાર કરીને દેશની આંતરિક સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. જે વિસ્તારોમાં હિંસા હતી, ત્યાં આજે યુવાનો અને દીકરીઓ દેશના સર્વોચ્ચ શિખરો સર કરી રહ્યા છે
‘વિકસિત ભારત ૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવા માટે જ્ઞાતિવાદ, પ્રાંતવાદ કે ભાષાવાદથી ઉપર ઊઠીને, માત્ર અને માત્ર ‘રાષ્ટ્રવાદ’ ને જ આપણે આપણો પરમ ધર્મ માનવો પડશે. દુનિયા આજે ‘વસુધૈવ કુટુંબકમ્’ ના ભારતીય વિચારને સ્વીકારી રહી છે, ત્યારે આપણે ભરૂચ, ગુજરાત અને સમગ્ર દેશને આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ બનાવવા મન, વચન અને કર્મથી કટિબદ્ધ થઈએ.
આપણા વિસ્તારમાં, આપણા દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ, જેથી દરેક નાગરિકનું રોજી-રોટી અને જીવનનિર્વાહ સુરક્ષિત થાય. Vocal for Local: સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી સ્થાનિક રોજી-રોટીને પ્રોત્સાહન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
મહર્ષિ ભૃગુ ઋષિની પવિત્ર ભૂમિ ભરૂચ ખાતેથી રાષ્ટ્રના સમૃદ્ધ વારસા અને યુવા શક્તિની અપરંપાર ઊર્જાને બિરદાવતા રાષ્ટ્રસેવાનો સ્પષ્ટ સંદેશ આપતા તેમણે કહ્યું કે, આપણી પાસે કશું જ ખૂટતું નથી, આપણી પાસે સમૃદ્ધ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, જેને આજે સમગ્ર દુનિયા સ્વીકારી રહી છે. આપણી પાસે યોગ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવાં અમૂલ્ય વિચારોનો વૈભવ છે, જેને આજે સમગ્ર વિશ્વ વંદન કરી રહ્યું છે. હજારો વર્ષો પૂર્વેથી લઈને આજ સુધી જે નરવીરોએ રાષ્ટ્રની આ મહાન સંસ્કૃતિને સાચવી અને જીવંત રાખી છે.
દેશના યુવાનોને રાષ્ટ્રનિર્માણની મુખ્ય ધારામાં જોડાવવા આહ્વાન કરતાં જણાવાયું હતું કે, યુવાનોના કરકમલોમાં અખૂટ તાકાત અને ઊર્જા ભરેલી છે.યુવા શક્તિ પોતાની હિંમત અને હોંશનો યોગ્ય ઉપયોગ કરે અને વ્યસનમુક્ત બનીને ‘વંદે માતરમ્’નો નારો બુલંદ કરે, એ જ સાચી રાષ્ટ્રસેવા છે.
દેશની રક્ષા કાજે પ્રાણોની આહુતિ આપનારા વીર શહીદ જવાનો અને તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવાયું હતું કે, જેમણે પોતાના કાળજાના ટુકડા જેવા દીકરાઓને ભારત માતાના ચરણોમાં અર્પણ કર્યા છે, તે શહીદ પરિવારોનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ તેમ નથી. આપણે માત્ર એટલું સમર્પણ કરી શકીએ કે “હું વ્યસનમુક્ત રહીશ અને દેશની સમૃદ્ધિનું પ્રતીક બનીશ.”
આ પ્રસંગે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, અંગદાન, ચક્ષુદાન જેવી માનવતાવાદી સેવા આપનાર વ્યક્તિ વિશેષોનું અભિવાદન પણ કરાયું હતું.રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા ગણવેશ ધારી પોલીસ દળના જવાનો રાષ્ટગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. આ અવસરે શાળાના બાળકો, પોલીસદળના જવાનોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. ગુનાશોધનમાં પોલીસ ડોગની ભૂમિકાનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટ દ્નારા માઉન્ટેડ ઈવેન્ટ, ટેન્ટ પેંગિંગ, ઈન્ડેક્ષ ફાઈલ ટેન્ટ પેંગિગ ના જુસ્સાભર્યા કરતબોએ ઉપસ્થિતોમાં આકર્ષણ જમાવ્યું હતુ.આ ઉપરાંત પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ભરૂચ જિલ્લાના વિકાસ માટે ૨૫ લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારીશ્રી ઝઘડીયાને અર્પણ કર્યા હતો.કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ શાળાના પટાંગણમાં મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષરથને લીલીઝંડી આપી હતી.
આ રાષ્ટ્રીય પર્વના અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ડીમ્પલ રાજ, ધારાસભ્યસર્વ રિતેશ વસાવા, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા કલેકટર ડૉ.નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટર આર.બી.ભોગાયતા તથા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા – તાલુકાના આગેવાન પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શાળાના બાળકો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




