ભરૂચ,
ભરૂચ જિલ્લામાં વસતા પારસી સમાજે શનિવારે પતેતી પર્વ સાથે પારસી નૂતન વર્ષ ‘નવરોઝ’ની શ્રદ્ધા, પરંપરા અને ઉમંગભેર ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ શહેરની વિવિધ અગિયારીઓમાં પારસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.પવિત્ર અગ્નિ સમક્ષ પ્રાર્થના કરી સમાજના લોકોએ એકબીજાને ‘નવરોઝ મુબારક’ પાઠવી નવા વર્ષની શુભકામનાઓ આપી હતી.
પારસી પરંપરા મુજબ પતેતીનો દિવસ આત્મમંથન અને પોતાની ભૂલોનો પશ્ચાતાપ કરી મનને શુદ્ધ કરવાનો દિવસ માનવામાં આવે છે. પર્વ નિમિત્તે પારસી પરિવારો દ્વારા ઘરો તેમજ અગિયારીઓને પરંપરાગત રીતે શણગારવામાં આવ્યા હતા. ઘરઆંગણે સાથીયા કરવામાં આવ્યા હતા અને આસોપાલવનાં તોરણથી સજાવટ કરાઈ હતી.
ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ અને કોટ પારસીવાડ વિસ્તારમાં આવેલી ચાર અગિયારીઓમાં વહેલી સવારથી જ ભક્તિભાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. પારસી પરિવારો નવા વસ્ત્રોમાં અગિયારીઓ ખાતે પહોંચ્યા હતા અને ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. પૂજા-પ્રાર્થના બાદ પરિવારજનો, મિત્રો અને સ્વજનોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે શહેરના આગેવાનો દ્વારા બંબાખાના વિસ્તારમાં સ્વ. શ્યામ શેઠના નિવાસસ્થાને એરિક શેઠનાના પરિવારની મુલાકાત લઈ પારસી સમાજને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
ઈરાનથી વેપાર અર્થે ભારતના સંજાણ બંદરે આવેલા પારસી સમાજે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે એકરૂપ થઈને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.પોતાની આગવી ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખતા પારસી સમાજ દ્વારા પતેતી અને નવરોઝ ની ઉજવણી આજે પણ પરંપરાગત રીતે કરવામાં આવે છે.ભરૂચમાં પણ આ પર્વ દરમિયાન સમાજમાં એકતા, સ્નેહ અને પરંપરાના જતનની ભાવના જોવા મળી હતી.




