– મામલતદાર કે.બી.ગળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાયું
(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકા કક્ષાના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નવરંગ વિદ્યામંદિર હાઈસ્કૂલ, મોરીયાણા ખાતે હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે નેત્રંગના મામલતદાર કલ્પેશ બી. ગળિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત સાથે દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી હતી.
સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતથી સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓ તેમજ પ્રતિભાશાળી કર્મચારીઓનું સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીનો સંદેશ આપતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણની જાળવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલમાં સંપન્ન થયો હતો.કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત તથા પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




