– ઝઘડિયા ટાઉનના રાજપૂત ફળિયા ખાતે નવા બનતા મકાનમાં બારી બનાવવા બાબતે ઝઘડો : કુલ ચાર ઈસમો સામે ગુનો નોંધાયો
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના રાજપૂત ફળિયા ખાતે નવા બનતા મકાનમાં બારી મુકવાની વાતે બે પાડોશી પરિવારો વચ્ચે ઝઘડો થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.પોલીસે આ ગુના હેઠળ કુલ ચાર ઈસમો સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે ઝઘડિયા પોલીસ સ્ટેશન માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા નગરના રાજપૂત ફળિયામાં રહેતા સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમારનું મકાન બનાવવાનું કામ હાલ ચાલે છે.દરમ્યાન તેમના પાડોશી જયેન્દ્રસિંહ ગણપતસિંહ પરમારે સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહને કહ્યું હતું કે તેમની જગ્યા તરફ બારી ના બનાવશો.ત્યાર બાદ સુરેન્દ્રસિંહના ભાઈ રણવીરસિંહ રાજેન્દ્રસિંહ પરમારે તા.૧૭ મીના રોજ રાતના દસ વાગ્યાના સમયે જયેન્દ્રસિંહ પરમારના પુત્ર હરદીપસિંહ પરમારને સોસિયલ મિડીયાના માધ્યમથી કોલ કરીને ગાળો દીધી હતી અને ઝઘડો કર્યો હતો.આ ઝઘડાની રીસ રાખીને વિજયસિંહ અરૂણસિંહ પરમાર, સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમાર તથા ઉધ્ધમસિંહ વિજયસિંહ પરમાર તમામ રહે.રાજપૂત ફળિયું, ઝઘડિયાનાએ વારાફરતી હરદીપસિંહના ઘેર આવીને તેમને ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ધમકી આપવાની આ ઘટના સંદર્ભે હરદીપસિંહ જયેન્દ્રસિંહ પરમાર રહે.રાજપૂત ફળિયું ઝઘડિયા જી.ભરૂચનાએ રણવીરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, વિજયસિંહ અરૂણસિંહ પરમાર, સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમાર તેમજ ઉધ્ધમસિંહ વિજયસિંહ પરમાર તમામ રહે.રાજપુત ફળિયું, ઝઘડિયા જી.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.




