– મહિલા ટીમ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોસ્ટલ સર્કલ ચેમ્પિયન તો પુરુષ ટીમ ચેમ્પિયનશિપમાં ઓડિશા પોસ્ટલ સર્કલ ચેમ્પિયન બન્યું : વિજેતાઓને બોર્ડ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ 2026-27 જેનું આયોજન ગુજરાત પોસ્ટલ સર્કલ સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા એકતા નગર નર્મદા ખાતે કરવામાં આવ્યું હતું.જે 24 ઓગસ્ટ 2026ના રોજ છ દિવસની સઘન સ્પર્ધા અને ખેલદિલીપૂર્ણ વાતાવરણ બાદ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.આ ટુર્નામેન્ટમાં દેશના 18 પોસ્ટલ સર્કલ્સના પોસ્ટલ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં પુરુષ ટીમ, મહિલા ટીમ, પુરુષ વ્યક્તિગત અને મહિલા વ્યક્તિગત એમ ચાર કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ હતી.
મહિલા ટીમ ચેમ્પિયનશિપમાં યજમાન ગુજરાત પોસ્ટલ સર્કલએ શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કલ બીજા ક્રમે અને પશ્ચિમ બંગાળ પોસ્ટલ સર્કલ ત્રીજા ક્રમે રહ્યા. ઉત્કૃષ્ટ વ્યક્તિગત પ્રદર્શન બદલ ભૈરવી દેશમાને (મહારાષ્ટ્ર), શ્રુતિ પ્રિયા સિંહ (ગુજરાત), રાજશ્રી શિંગાડે (મહારાષ્ટ્ર), કૃષ્ણા ચિંતનકુમાર મિસ્ત્રી (ગુજરાત) અને મધુ શાહ (ગુજરાત)ને બોર્ડ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા હતા.
પુરુષ ટીમ ચેમ્પિયનશિપમાં ઓડિશા પોસ્ટલ સર્કલ ચેમ્પિયન બન્યું, જ્યારે ઉત્તર પ્રદેશ પોસ્ટલ સર્કલ દ્વિતીય અને દિલ્હી પોસ્ટલ સર્કલ તૃતીય સ્થાને રહ્યા હતા.યજમાન ગુજરાત પોસ્ટલ સર્કલએ અત્યંત રસાકસીભરી પાંચ રાઉન્ડની સ્વિસ સિસ્ટમ આધારિત સ્પર્ધામાં 5મું સ્થાન પ્રાપ્ત કર્યું.
વેલેડિક્ટરી સમારોહમાં દિનેશ કુમાર શર્મા, પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા રિજિયન, સંદીપ કુમાર, AGM તથા સર્કલ હેડ,ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ગુજરાત સર્કલ, દરપાણી નાની, ગુજરાતના જાણીતા દૃષ્ટિબાધિત ચેસ ખેલાડી તથા આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ સ્પોર્ટ્સ, ગુજરાત ઓથોરિટી અને જ્યોતિ પંકજ પટેલ, કમાન્ડન્ટ, SRPF 18મી બટાલિયન,એકતા નગર ઉપસ્થિત રહ્યા હતા.
આ ટુર્નામેન્ટે દેશભરના પોસ્ટલ કર્મચારીઓને પોતાની ચેસ કુશળતા, સ્પર્ધાત્મક ભાવના,શિસ્ત,એકાગ્રતા,વ્યૂહાત્મક વિચારસરણી, સૌહાર્દ અને ખેલદિલી પ્રદર્શિત કરવા માટે ઉત્તમ મંચ પૂરો પાડ્યો હતો.એકતા નગર ખાતે ટુર્નામેન્ટનું સફળ આયોજન આયોજકો, અધિકારીઓ, આર્બિટર્સ, સહભાગી ટીમો અને સ્વયંસેવકોના સંકલિત પ્રયાસોનું પરિણામ રહ્યું.
વેલેડિક્ટરી સમારોહ સાથે ચેસની છ દિવસીય રોમાંચક અને યાદગાર સફરનો ગૌરવપૂર્ણ સમાપન થયો, જેમાં રમતગમતની શ્રેષ્ઠતા સાથે ઇન્ડિયા પોસ્ટની એકતા, સૌહાર્દ અને ખેલદિલીની ભાવનાની ઉજવણી કરવામાં આવી.




