ભરૂચ,
રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી અને ખેલ મહાકુંભ-2026ના રજીસ્ટ્રેશનના પ્રારંભ સાથે ભરૂચ જિલ્લામાં રમતગમત ક્ષેત્રે નવી ઊર્જા અને નવી આશાનો સંચાર થયો છે.
રમતગમત પ્રત્યે યુવાનોમાં જાગૃતિ વધે, ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેમજ રમતગમત ક્ષેત્રે ભરૂચ જિલ્લો વધુ આગળ વધે તેવા હેતુ સાથે આજે ભરૂચ જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાષ્ટ્રીય રમત દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે જિલ્લા રમતગમત વિભાગ દ્વારા વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને એથ્લેટિક્સ અને બેડમિન્ટનની સ્પર્ધાઓ યોજાઈ હતી.આ સ્પર્ધાઓમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધાઓમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આશરે ૧૭૯ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જ્યારે બેડમિન્ટન સ્પર્ધામાં આશરે ૧૭૩ જેટલા ખેલાડીઓએ પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓમાં સ્પર્ધાત્મક ભાવના સાથે રમત પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ભરૂચ જિલ્લાના જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ઘવાણે તથા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.બંને મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે ખેલાડીઓને રમતગમતને માત્ર સ્પર્ધા તરીકે નહીં પરંતુ શિસ્ત, સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસના મહત્વપૂર્ણ માધ્યમ તરીકે અપનાવવા પ્રેરણા આપી હતી.
રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી સાથે જ રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી ખેલ મહાકુંભ-૨૦૨૬ માટેનું રજીસ્ટ્રેશન પણ આજથી શરૂ કરવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં જોડાઈ પોતાની રમત પ્રતિભાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરે તે માટે જિલ્લા રમતગમત વિભાગ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકાર રાજનસિંહ ગોહિલ, જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ઘવાણે તથા ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી દ્વારા ભરૂચ જિલ્લાના ખેલાડીઓને ખેલ મહાકુંભ – ૨૦૨૬માં વધુમાં વધુ સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.
ખેલ મહાકુંભ જેવા વિશાળ પ્લેટફોર્મ થકી ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની ઉત્તમ તક મળે છે. તેથી ભરૂચ જિલ્લાના તમામ ઉંમરના ખેલાડીઓએ ખેલ મહાકુંભ-2026માં ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ.રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી દરમ્યાન ખેલાડીઓ, કોચ, રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ તથા રમતપ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ “દરરોજ એક કલાક રમત રમો અને સ્વસ્થ રહો ના સંદેશ સાથે વધુમાં વધુ લોકોને રમતગમત સાથે જોડવાનો રહ્યો હતો.
જિલ્લા રમતગમત વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ ભરૂચ જિલ્લાના ખેલાડીઓને વધુ સારી સુવિધાઓ, તાલીમ અને માર્ગદર્શન મળી રહે તે માટે વિવિધ રમતગમતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.




