– રક્ષાબંધનના દિવસે જ જીવલેણ અકસ્માત સર્જાયો : નાંદોદના બીતાડાનો યુવક રક્ષાબંધનના દિવસે સાંજના અંકલેશ્વર જઈ રહ્યો હતો તે દરમ્યાન પઠાર ગામ નજીક અકસ્માત સામે મળ્યો
(વિજય વસાવા,નેત્રંગ)
રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ નાંદોદ તાલુકાના બીતાડા ગામના એક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પઠાર ગામના વળાંક પાસે એક મોટર સાયકલ ઝાડ સાથે ભયાનક રીતે અથડાતાં ૨૫ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.
મળતી વિગતો અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બીતાડા ગામે રહેતો નિલેશભાઈ ભરતભાઈ વસાવા નામનો યુવક રક્ષાબંધનની સાંજે છ વાગ્યાના અરસામાં પોતાના કામ માટે મોટરસાયકલ પર અંકલેશ્વર જવા નીકળ્યો હતો,તે બાઈક લઈને મોદલીયા તરફથી પઠાર ગામ તરફ આવી રહ્યો હતો.તે દરમ્યાન પઠાર ગામના વળાંક પાસે રોડ પર પહોંચતા તેણે બાઈક પરનો કાબૂ ગુમાવી દીધો હતો.પુરઝડપે જતી બાઈક રોડની બાજુમાં આવેલા પીપળીના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં નિલેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને પગમાં ફેક્ચર થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
ઘટના બન્યા બાદ કોઈ અજાણ્યા રાહદારીએ મૃતકના મોટા ભાઈ કલ્પેશકુમાર વસાવાને ફોન કરીને અકસ્માત અંગે જાણ કરી હતી.અકસ્માતની જાણ થતા પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા ત્યારે એમ્બ્યુલન્સ મારફતે યુવકના મૃતદેહને વાલિયા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ કલ્પેશકુમાર વસાવાએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વાલિયા પોલીસે કલ્પેશકુમારની ફરિયાદના આધારે બી.એન.એસ (BNS) અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.




