(ભાવેશ પંડ્યા,ભાલોદ)
શ્રી કૃષ્ણના બાળસ્વરૂપ બાળ ગોપાલને કાનુડાને હિંચકે ઝૂલાવીને ભક્તો એ ઘન્યતા અનુભવી હતી.
જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસનો પાવન પર્વ. શ્રાવણ વદ આઠમની તિથિએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ નિમિત્તે દેશભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં પણ કૃષ્ણ જન્માષ્ટમીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા નદી કિનારે આવેલા પૌરાણિક રામજી મંદિર, રણછોડજી મંદિર અને વિઠ્ઠલજી મંદિરમાં દર વર્ષની પરંપરા મુજબ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જન્માષ્ટમીના પાવન અવસરે મંદિરોને રંગબેરંગી ફૂલોની માળા અને આકર્ષક લાઈટિંગથી શણગારવામાં આવ્યા હતા. રાત્રે ૯ વાગ્યાથી ભગવાન બાળ કૃષ્ણના સુંદર શણગાર સાથે ભજન-કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. મધરાત્રીના ૧૨ વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે મહાઆરતી કરવામાં આવી હતી અને ભક્તોએ જયઘોષ સાથે ભગવાનના જન્મ વધામણા કર્યા હતા.
આ પ્રસંગે ભક્તોને પંજરી, મિસરી અને માખણનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરતાં શ્રદ્ધાળુઓએ પોતાના ઘરો તેમજ મંદિરોમાં બાળ ગોપાલને હિંડોળે ઝૂલાવી ધન્યતા અનુભવી હતી.
મોડી રાત સુધી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. “હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી”ના નાદથી સમગ્ર મંદિર પરિસર કૃષ્ણમય બની ગયું હતું.



