– ઝઘડિયા નજીક ટ્રકની અડફેટે છકડામાં સવાર મહિલાને ઈજા: ઝઘડિયા મઢી વચ્ચે ફોર વ્હિલર અને બાઈક અથડાતા બેને ઈજા : બામલ્લા નજીક વલાના બાઈક ચાલકનું ટ્રકની અડફેટે મોત
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસેદિવસે વધતા જતા અકસ્માતોએ ચિંતા જન્માવી છે.તાજેતરમાં તાલુકામાં અકસ્માતની ત્રણ અલગઅલગ ઘટનાઓમાં એક મહિલા સહિત કુલ ત્રણને ઈજાઓ થઈ હતી.જ્યારે એક ૧૯ વર્ષીય બાઇક ચાલક યુવકને એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા તેનું સારવાર દરમમ્યાન મોત થયું હતું.
ઝઘડિયા પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના કપલસાડી ગામની ૫૩ વર્ષીય કોકિલાબેન હસમુખભાઇ વસાવા નામની મહિલા આશા વર્કર હોઈ તા.૫ મીના રોજ ગામની સગર્ભા મહિલાઓને ઝઘડિયા સેવારૂરલ હોસ્પિટલમાં તપાસ કરાવવા લઈ ગયેલ ત્યાર બાદ કોકિલાબેન એક છકડા રીક્ષામાં બેસીને ઘરે પરત જતા હતા તે દરમ્યાન ઝઘડિયાથી થોડે દુર જતા એક હાઈવા ટ્રક છકડા સાથે અથડાતા છકડામાં બેસેલ કોકિલાબેનને શરીર પર વિવિધ ઈજાઓ થવા ઉપરાંત પગ પર ફેક્ચર થયું હતું.તેમને ભરૂચ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.અકસ્માતની બીજી ઘટના મુજબ ઝઘડિયાનો અરૂણ અશોકભાઈ વસાવા નામનો યુવક ગતરોજ તા.૬ ના રોજ ફોર વ્હીલર ગાડી લઈને પત્ની અને બાળકોને લઈને મઢી ઘાટ ખાતે દર્શન કરવા ગયો હતો.તે બપોરના દોઢ વાગ્યે પત્ની અને બાળકોને મઢી ઘાટ ખાતે ઉતારીને ફોર વ્હીલર કાર લઈને એકલો પરત આવતો હતો તે દરમ્યાન લિંબેશ્વર મહાદેવ મંદિર નજીક ઝઘડિયા તરફથી આવતી એક મોટર સાયકલ કાર સાથે અથડાતા મોટર સાયકલ સવાર રાજભાઈ લક્ષ્મણભાઈ વસાવા અને મનીશ મહેન્દ્રભાઈ વસાવા બન્ને રહે.સિમધરા તા.ઝઘડિયાના ઈજાગ્રસ્ત થતા તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.કાર ચાલકને કોઈ ઈજા થઈ નહતી.આ અકસ્માતમાં બન્ને વાહનોને નુકશાન થયું હતું.અકસ્માતની અન્ય ઘટના મુજબ ઉમલ્લા નજીકના વલા ગામનો નિતેશ સુરેશભાઈ વસાવા નામનો ૧૯ વર્ષીય યુવક મોટરસાયકલ લઈને ગતરોજ તા.૬ ના રોજ વલાથી ઉમલ્લા જતો હતો.તે દરમમ્યાન બામલ્લા ગામના પાટિયા પાસે એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા નિતેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઈ જવાયો હતો.જ્યાંથી વધુ સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે નિતેશને તપાસીને મરણ પામેલ જાહેર કર્યો હતો.અકસ્માત સંદર્ભે મૃતકની માતા ટીનાબેન વસાવા રહે.ગામ વલા તા.ઝઘડિયાની ફરિયાદ મુજબ ઉમલ્લા પોલીસે અકસ્માત બાદ તેનું વાહન લઈને ઘટના સ્થળ પરથી નાશી ગયેલ ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.



