રાજ્યભરમાં જમીન મહેસૂલની કામગીરી ઠપ થતાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા : સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી ખોરંભે

SHARE:

– AnyRoR પોર્ટલનું મેન્ટેનન્સ મુદત વીત્યાના ૪૮ કલાક પછી પણ અધૂરૂ રહ્યું 

– વહીવટી તંત્રના અણઘડ આયોજનથી ખેડૂતો, સામાન્ય નાગરિકો અને પક્ષકારો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

ગુજરાત,

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ડિજિટલ સેવાઓનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. રાજ્યના જમીન રેકોર્ડ માટેના અત્યંત મહત્વપૂર્ણ ‘AnyRoR’ (Any Records of Rights Anywhere) પોર્ટલ પર હાથ ધરાયેલી મેન્ટેનન્સ કામગીરીની મુદત પૂરી થયાના ૪૮ કલાક વીતી ગયા છતાં વેબસાઇટ શરૂ ન થતાં વહીવટી તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.

નિર્ધારિત સમય કરતાં બે દિવસ વધુ વીત્યા છતાં પોર્ટલ કાર્યરત ન થતાં હજારો અરજદારો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

સત્તાવાર નોટિસ મુજબ, AnyRoR પોર્ટલ પર ટેકનિકલ મેન્ટેનન્સ માટે તા.૨.૯.૨૬ ના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યાથી તા.૬.૯.૨૬ ના રોજ રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધી સિસ્ટમ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. નિયત સમય મર્યાદા મુજબ ૬ સપ્ટેમ્બરની રાત્રે જ પોર્ટલ પૂર્વવત કાર્યરત થઈ જવું જોઈતું હતું. જોકે, મુદત વીત્યાને બે દિવસથી વધુ એટલે કે ૪૮ કલાકથી વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં સર્વર ડાઉન હોવાના કારણે સામાન્ય નાગરિકો પોર્ટલ ઍક્સેસ કરી શકતા નથી. મહેસૂલ અને રજિસ્ટ્રેશનને લગતી કામગીરીઓ અટકી પડી છે.

પોર્ટલ ઠપ થઈ જવાથી સમગ્ર રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે ખોરંભે ચડી છે જેમાં વારસાઈ અને હક કમી નોંધ, પરિવારોમાં મિલકતની વહેંચણી, વારસાઈ આંબો અને હક કમી કરવાની ઓનલાઇન અરજીઓ અને તેની પ્રક્રિયા અટકી ગઈ છે. બોજા દાખલ અને ખેડૂત ખરાઈ, ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ કે બેંક લોન લેવા માટે જરૂરી બોજા નોંધણી અને જમીનની ખરીદી-વેચાણ માટે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. વેચાણ દસ્તાવેજ અને સબ રજિસ્ટ્રાર કામગીરી, સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી (Registry) અગાઉ AnyRoR પરથી જમીનની વર્તમાન સ્થિતિ ચકાસવી ફરજિયાત હોય છે. સર્વર બંધ રહેતાં દસ્તાવેજ નોંધણી અને સુધારણાની કામગીરી અટકી પડી છે, જેથી પક્ષકારો અને સ્ટેમ્પ વેન્ડર્સ રઝળી પડ્યા છે.

સહભાગીદારી અને અન્ય સુધારા, જમીનમાં સહભાગીદારી દાખલ કરવાની કે સુધારા અંગેની કાર્યવાહી દિવસોથી સ્થગિત છે.

જવાબદાર તંત્ર ક્યારે જાગશે? ઓનલાઇન સિસ્ટમના બહાને સરકારી તંત્રએ ઑફલાઇન અરજીઓ લેવાનું પણ મોટાભાગે બંધ કરી દીધું છે. આવા સંજોગોમાં મેન્ટેનન્સના નામે દિવસો સુધી સર્વર બંધ રહેતાં વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી. દૂર દૂરના ગામડાંઓમાંથી તાલુકા મથકો અને જનસેવા કેન્દ્રો પર આવતા ખેડૂતોને “સર્વર ડાઉન છે” કહીને ધરમધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. આટલી લાંબી મુદત આપવા છતાં સમયસર કામ પૂર્ણ ન કરનાર એજન્સી સામે પગલાં લેવાશે કે કેમ અને અટકી પડેલા લાખો નાગરિકોના કામ ક્યારે શરૂ થશે, તેવા સવાલો પ્રજામાંથી ઊઠી રહ્યા છે. તાત્કાલિક ધોરણે AnyRoR પોર્ટલ પૂર્વવત કરવામાં આવે તેવી પ્રબળ લોકમાગણી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!