– સવારે દુકાન ખોલ્યા બાદ સિગારેટ લેવા આવેલ ઈસમ બેગ ઉઠાવી ગયો હોવા બાબતે શંકા વ્યક્ત કરવામાં આવી
– દુકાનદાર દુકાનના પાછળના ભાગે બાથરૂમમાં ગયો તે દરમ્યાન ઘટના બની હોવાનું જણાવાયું
– એક મહિના અગાઉ પણ આજ દુકાન માંથી રૂપિયા ૯૮ હજારની કિંમતના સિગારેટના પેકેટ ચોરાયા હોવાની ફરિયાદ થઈ હતી
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીકની એક દુકાનમાંથી કોઈ અજાણ્યો ઈસમ રૂપિયા ૧૫ લાખ જેટલી રોકડ રકમ ભરેલ બેગ ઉઠાવી ગયો હોવાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
મળતી વિગતો મુજબ રાજપારડી ચાર રસ્તા પર આવેલ પીયુશ જનરલ સ્ટોર નામની બીડી-સિગારેટ,પાન પડીકીની જથ્થાબંધ દુકાન માંથી આજે સવારે દુકાન ખોલ્યા બાદ ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક અજાણ્યો ઈસમ દુકાન માંથી રૂપિયા ૧૫ લાખ જેટલી રોકડ રકમ ઉઠાવી ગયો હોવાનું દુકાનદારે જણાવ્યું હતું.
દુકાન માલિક ડાહ્યાભાઈ પટેલે આપેલ વિડીઓ નિવેદનમાંથી મળતી વિગતો અનુસાર દુકાન માલિક સવારે દુકાન ખોલીને દુકાનમાં બીલો ચેક કરતા હતા.તે દરમ્યાન એક અજાણ્યો ઈસમ દુકાનમાં આવ્યો હતો અને સિગારેટ જોઈએ છે એમ કહ્યું હતું.દુકાન માલિકે ગ્રાહકે માંગેલ બ્રાન્ડની સિગારેટ તેમની પાસે નથી એમ જણાવતા તે અજાણ્યો ઈસમ દુકાન બહાર ગયો હતો.ત્યાર બાદ ડાહ્યાભાઈ દુકાનનું શટર પાડીને દુકાનના પાછળના ભાગે આવેલ બાથરૂમમાં ગયા હતા.તેઓ પાછા આવ્યા ત્યારે તેમણે દુકાનમાં રૂપિયા ભરેલ બેગ મુકી હતી તે હતી નહિ,તેથી તેમણે દુકાનના ઉપરના ભાગે તેમના રહેણાંકમાંથી તેમના દિકરા પિયુષને ફોન કરીને બોલાવ્યો હતો.પિયુષ તરત જ દુકાનમાં આવ્યો હતો અને દુકાનના સીસી ટીવી કેમેરા ચેક કરતા જે ઈસમ સિગારેટ લેવા આવ્યો હતો તે કેમેરામાં જણાયો હતો.જેથી દુકાન માલિક ડાહ્યાભાઈએ ગ્રાહક બનીને આવેલ તે અજાણ્યો ઈસમ રૂપિયા ભરેલ બેગ ઉઠાવી ગયો હોવાની શંકા વ્યક્ત કરી હતી.રૂપિયા ભરેલ બેગની ઉઠાંતરી થઈ હોવાની ઘટના બનતા એલસીબી અને એસઓજી પોલીસની ટીમો પણ રાજપારડી આવી ગઈ હતી.વધુમાં મળતી વિગતો મુજબ આ બાબતે પોલીસ દ્વારા નાકાબંધી કરીને અજાણ્યા ચોરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આજ પિયુષ જનરલ સ્ટોરમાં એક મહિના અગાઉ રૂપિયા ૯૮ હજારની કિંમતના સિગારેટના પેકેટો ચોરાયા હતા.ત્યાર બાદ એક મહિના પછી દુકાન માંથી રૂપિયા ૧૫ લાખની રોકડ રકમ ભરેલ બેગની ઉઠાંતરી થતા એકજ દુકાનને નિશાન બનાવતા અજાણ્યા તસ્કરો સાથે કોઈ જાણભેદુ પણ સંકળાયેલો હોવાની શંકાઓ પણ પ્રબળ બની છે,ત્યારે પોલીસ તપાસ બાદ જ ચોરીની સાચી હકીકત બહાર આવશે એમ હાલના તબક્કે જણાય રહ્યું છે.



