– બનાવ સંદર્ભે વાગરા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ સામે ફરિયાદ નોંધાઈ હતી
– કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલ તરીકે જે જે પરમાર હાજર થયા હતા
– પાંચમા એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ પી એમ સોની દ્વારા ચુકાદો આપવામાં આવ્યો
ભરૂચ,
વાગરા તાલુકાના કલમ ગામમાં પત્નીને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દઈ મોતને ઘાટ ઉતારી દેનાર પતિને કસૂરવાર ઠેરવી ભરૂચની એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે આજીવન કેદની સજા અને દસ હજારનો દંડનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ જીલ્લાના વાગરા પોલીસ મથકમાં વર્ષ 2020 નોંધાયેલા ગુના આરોપીઆસિફ ઈકબાલ એ તેની પત્નીને માર મારી તેના ઉપર ઘરમાં રહેલા પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી હતી.જેથી તેના વિરુદ્ધમાં IPCની કલમ 302, 307, 323, 498(A), 504 સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ કેસ સેશન્સ કેસ નંબર 26/2020 તરીકે ભરૂચની પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી આવ્યો હતો.
કેસની ઘટના મુજબ આરોપી આસિફ ઈકબાલ સિતપોરિયા પોતાની પત્ની યાસ્મીનબેનને વારંવાર માનસિક અને શારિરિક ત્રાસ આપતો હોય તારીખ 15 જાન્યુઆરી 2020 ના યાસ્મીનબેન તેમના ઘરની બહાર તાપણું કરતા હતા તે સમયે આરોપી આસીફે આવી તેને અપશબ્દો બોલી તું મને પૂછ્યા વગર કેમ બહાર બેસે છે તેમ કહી તકરાર કરી હતી.મારે જમવાનું છે જમવા કાઢી આપ તેમ કહેતા તેના પત્ની રસોડામાં જમવા કાઢતા હતા તે સમયે તેણે તેને ત્રણ ચાર તમાચા મારી આજે તને પતાવી જ દેવી છે તેમ કહી ઘરના રાખેલા પેટ્રોલ પત્ની પર છાંટી દૂરથી દિવાસળી નાખી તેની પત્નીને જીવતી સળગાવી દીધી હતી.ગંભીર રીતે દાઝી ગયેલી યાસ્મીનબેનનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.
આ કેસમાં કોર્ટમાં સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ જે.જે. પરમારે ધારદાર દલીલો સાથે કેસ રજૂ કર્યો હતો. સરકાર પક્ષે સાહેદોની જુબાની, ફરિયાદી તથા મરણ જનારનું ડાઈંગ ડિક્લેરેશન, FSL રિપોર્ટ, સ્વતંત્ર સાહેદોની જુબાની સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા હતા.તમામ પુરાવા અને બંને પક્ષની દલીલોને ધ્યાનમાં લીધા બાદ અદાલતે આરોપી આસિફ ઈકબાલ સીતપોણીયાને કસૂરવાર ઠેરવ્યો હતો. અદાલતે IPCની કલમ 302 અને 201 હેઠળ દોષિત ઠેરવી તેને આજીવન કેદ અને 10 હજારના દંડની સજા સંભળાવી હતી.
આ કેસમાં સરકારી વકીલ જે.જે.પરમારે જણાવ્યું હતું કે પત્નીને અર્ધાંગિનીના બદલે કામવાળી બાઈ સમજી તેના પર અત્યાચાર ગુજારનારા લોકો માટે આ ચુકાદો સમાજમાં દાખલો બેસાડનારો છે.અદાલતના આ કડક ચુકાદાને સરકાર પક્ષે આવકાર્યો છે.



