– થોડા જ વરસાદમાં વરસાદી કાંસો રંગીન બનતાં પ્રદૂષણ નિયંત્રણની કામગીરી સામે સવાલો
– ગણેશ મહોત્સવ અંગેના નોટિફિકેશન માટે કડકાય પૂર્વક વર્તવામાં આવે છો તો પછી ઉદ્યોગોમાટેના પ્રદૂષણ અંગેના નોટિફિકેશન કાગળ પર નહીં, પરંતુ GIDCની જમીન પર પણ દેખાવા જોઈએ
ભરૂચ,
અંકલેશ્વર GIDC વિસ્તારમાં વરસાદ શરૂ થતાં જ કેટલીક વરસાદી કાંસોમાં ફરી એકવાર ઔદ્યોગિક કન્ટામિનેટ પાણી જોવા મળતાં પ્રદૂષણના મુદ્દે ચિંતા ઉભી થઈ છે. ખાસ કરીને GIDCના C-પમ્પિંગ સ્ટેશન બહારના રસ્તા પર પીળા રંગનું ઔદ્યોગિક પાણી ફરી વળ્યાના આક્ષેપો સામે આવ્યા છે.
સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહેલા આ દૃશ્યને જોતા સવાલ એ ઉભો થાય છે કે, સામાન્ય વરસાદી પાણી સાથે આટલી ઝડપથી રંગીન અને કથિત રીતે પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં કેવી રીતે પહોંચે છે?
અંકલેશ્વર GIDCમાં વરસાદી પાણીની કાંસોનો ઉપયોગ માત્ર વરસાદી પાણીના નિકાલ માટે થવો જોઈએ કે પછી તેમાં ઔદ્યોગિક કન્ટામિનેટ પાણી ભળતું હોવાની શક્યતા છે? જો ઔદ્યોગિક પાણી વરસાદી કાંસામાં પ્રવેશતું હોય તો તેના સ્ત્રોત સુધી પહોંચીને જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
ગણેશ મહોત્સવ દરમ્યાન પર્યાવરણ અને પ્રદૂષણ નિયંત્રણને લઈને વિવિધ સૂચનાઓ અને નોટિફિકેશનો જાહેર કરવામાં આવે છે.ઉદ્યોગોને પ્રદૂષિત પાણી કે અન્ય પ્રદૂષક તત્ત્વો પર્યાવરણમાં ન છોડવા માટે નિયમોનું પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવે છે.પરંતુ અંકલેશ્વર GIDCની કેટલીક વરસાદી કાંસોમાં થોડા જ વરસાદ બાદ રંગીન પાણી જોવા મળતું હોય તો શું સંબંધિત નોટિફિકેશનો અને પર્યાવરણીય નિયમોનું વાસ્તવિક રીતે પાલન થઈ રહ્યું છે? તેવો સવાલ હવે સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
વરસાદી કાંસામાં કથિત કન્ટામિનેટ પાણી પહોંચવાનું કારણ શું છે, તે જાણવા માટે NCT, GPCB અને ગેમી જેવી સંબંધિત સંસ્થાઓ દ્વારા સ્થળ તપાસ, પાણીના નમૂના અને વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે છે કે કેમ તે હવે મહત્વનું બની રહ્યું છે.જો પાણી ખરેખર ઔદ્યોગિક પ્રદૂષણથી કન્ટામિનેટ હોવાનું તપાસમાં સામે આવે તો તેનો સ્ત્રોત શોધી જવાબદાર એકમ સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ.
હાલમાં જ NCT, GPCB એ એક શંકાસ્પદ યુનિટને ઝડપી ત્યાં ખોદકામ કરી ગાંધીનગર તેનો રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર હાલ આ યુનિટ બંધ હોવા છતાં પણ આ પીળા કલરના પાણીનો મોટો જથ્થો નિકાલ કરનાર કોણ? જેની પણ NCT, GPCB તપાસ કરે છે કે નહીં તે પણ આવનાર દિવસોમાં સ્પષ્ટ થશે.
અંકલેશ્વર GIDC દેશના મહત્વના ઔદ્યોગિક વિસ્તારો પૈકીનું એક છે.અહીં ઉદ્યોગોના વિકાસની સાથે પર્યાવરણની સુરક્ષા અને નિયમોના કડક અમલની જવાબદારી પણ એટલી જ મહત્વની છે.
ખેર સ્થાનિકોમાં એક જ માંગ ઉઠી રહી છે ગણેશ મહોત્સવ અંગેના નોટિફિકેશન માટે કડકાય પૂર્વક વર્તવામાં આવે છો તો પછી ઉદ્યોગોમાટેના પ્રદૂષણ અંગેના નોટિફિકેશન કાગળ પર નહીં, પરંતુ GIDCની જમીન પર પણ દેખાવા જોઈએ.




