– ગાંધીચીંધ્યા માર્ગે લડત આપવા ઠરાવ પસાર કરવામાં આવ્યો
(જયશીલ પટેલ,ઝઘડીયા)
દક્ષિણ ગુજરાતના પક્ષકારો અને વકીલોની વર્ષો જૂની માંગણીને વાચા આપતા સુરત ખાતે હાઈકોર્ટની એડિશનલ/સર્કિટ બેંચ સ્થાપવા માટે શરૂ થયેલી ઝુંબેશને ઝઘડિયા વકીલ મંડળે પોતાનો સંપૂર્ણ અને સર્વાનુમતે ટેકો જાહેર કર્યો છે.
ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં આ અંગે મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
કામરેજના ‘વાટિકા રિસોર્ટ’ ખાતે દક્ષિણ ગુજરાતના તમામ બાર એસોસિએશનના હોદ્દેદારો પ્રિતીબેન જોષી, ઝકીભાઈ શેખ, ભાવેશભાઈ રબારી, હિતેશભાઈ પટેલ, હરેશભાઈ નાકરાની, હિરલબેન પાનવાળા, પ્રવિણભાઈ પટેલ અને વંદનાબેન ભટ્ટ દ્વારા યોજાયેલ સંકલન બેઠકના નિર્ણયને ઝગડિયા બારે આગળ ધપાવ્યો છે.
સભામાં રજૂઆત કરવામાં આવી હતી કે સુરત, નવસારી, વલસાડ,ભરૂચ,નર્મદા,તાપી અને ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને ન્યાય મેળવવા માટે છેક અમદાવાદ સુધી ૩૦૦ થી ૪૦૦ કિલોમીટરનું અંતર કાપવું પડે છે.આ વિસ્તારમાં એશિયાની સૌથી મોટી જી.આઈ.ડી.સી આવેલી હોવાથી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને કર્મચારીઓના કાયદાકીય પ્રશ્નો રોજબરોજ ઉપસ્થિત થાય છે.આ ઉપરાંત ભરૂચ, નર્મદા અને તાપી જેવા આદિવાસી બહુલ વિસ્તારોની ગરીબ પ્રજાને અમદાવાદ જવામાં નાણાં, સમય અને શક્તિનો મોટો વ્યય થાય છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચૂંટાયેલા સભ્યો દ્વારા સુરત ખાતે હાઈકોર્ટની કાયમી બેંચ માટે જે આંદોલન છેડવામાં આવ્યું છે તેને વધાવી લેતાં ઝઘડિયા બાર એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી દક્ષિણ ગુજરાતને હાઈકોર્ટની સર્કિટ બેંચ નહીં મળે ત્યાં સુધી ગાંધીચીંધ્યા માર્ગે આ લડત શાંતિપૂર્ણ રીતે ચાલુ રાખવામાં આવશે અને આગામી તમામ કાર્યક્રમોમાં ઝગડિયા વકીલ મંડળ સક્રિય ભાગીદારી નોંધાવશે.આ ઠરાવની નકલ સંબંધિત વિભાગો અને સત્તાધીશોને રજીસ્ટર્ડ પોસ્ટ મારફતે મોકલી આપવાનો નિર્ણય લેવાયો છે.




