ભરૂચ,
ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી નં.૩૩૬૪૨ રાજુભાઈ અમરાભાઈ ભરવાડનાઓએ ૧૪ વર્ષથી વધુ સમયની સજા ભોગવેલ તથા જેલ દરમ્યાન તેમની વર્તણૂક સંતોષકારક રહેલ હોવાથી સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ધારાધોરણો મુજબ વહેલી જેલમુક્તિ માટે પાત્રતા ધરાવતા હોય મજકુર કેદીની વહેલી જેલમુક્તિ અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ (BNSS)ની કલમ-૪૭૩ હેઠળ જેલ અધિક્ષક દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે અંતર્ગત સંબંધિત અધિકારીઓના અભિપ્રાયો મેળવ્યા બાદ જરૂરી દસ્તાવેજો તથા સંબંધિત અધિકારીઓના અભિપ્રાયો સાથે વહેલી જેલમુક્તિ અંગેની દરખાસ્ત જેલોના વડા પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓ મારફ્તે તેઓના અભિપ્રાય સહિત સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી.સરકાર દ્વારા સમગ્ર બાબતની યોગ્ય વિચારણા કર્યા બાદ મજકુર કેદીની બાકીની સજા માફ કરી વહેલી જેલમુક્તિ કરવાનો હુકમ કરવામાં આવેલ હતો.
સરકારના હુકમના અનુસંધાને, આજ રોજ તા. ૧૧/૦૯/૨૦૨૬ના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવેલ.આ પ્રસંગે ઈ.ચા.અધિક્ષક એન.પી. રાઠોડનાઓ દ્વારા મજકુર કેદીને સમાજમાં સારા આચરણ સાથે પુનઃસ્થાપિત થઈ જવાબદાર નાગરિક તરીકે જીવન જીવવા તથા તેમના સારા, સુખદ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી.
કેદીની વહેલી જેલમુક્તિના સમાચારથી તેમના પરિવારજનોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જેલ માંથી મુક્ત થયા બાદ પરિવારજનો સાથે તેમની મુલાકાત દરમ્યાન લાગણીસભર અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
ગુજરાત જેલ વિભાગ દ્રારા કેદીઓમાં સારા આચરણ, શિસ્ત, સુધારણા, માનસિક પરિવર્તન તથા સમાજમાં પુનઃસ્થાપનાની ભાવના વિકસે તે માટે વિવિધ સુધારાત્મક, રચનાત્મક અને પુનર્વસનાત્મક પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવી રહી છે. વહેલી જેલમુક્તિની આ પ્રક્રિયા કેદીઓમાં સારા આચરણ અને સુધારણા માટે પ્રેરણારૂપ બની રહેશે.




