– આરોપી સામે ગ્રામજનોમાં રોષ : પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
– મુખ્ય આરોપી ઉપરાંત પીઠબળ આપનાર કે કાવતરામાં સામેલ દરેક વ્યક્તિની નિષ્પક્ષ તપાસ કરીને કડક કાર્યવાહી કરવા માંગ
ભરૂચ,
વાગરા તાલુકાના પહાજ ગામમાં 27 વર્ષીય વસીમ ઈકબાલ દિવાનની નિર્દય હત્યાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યો છે. 12 સપ્ટેમ્બરની વરસાદી રાત્રે બનેલી આ લોહિયાળ ઘટનાએ ગામમાં ભય, રોષ અને સન્નાટો ફેલાવી દીધો હતો.ઘટના બાદ વાગરા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી આસિફ મહંમદ પટેલને ઝડપી પાડીને કાયદાના સકંજામાં લાવી જેલ હવાલે કર્યો હતો.ત્યાર બાદ ઘટનાની સત્ય હકીકત સુધી પહોંચવા પોલીસે આરોપીને પહાજ ગામે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.પરંતુ તે પહેલાં જ ગામનું વાતાવરણ ભારે ઉત્તેજનાભર્યું બની જતાં પોલીસને વિશેષ સતર્કતા દાખવવી પડી હતી.
આરોપીને ગામમાં લાવવામાં આવશે તેવી માહિતી મળતાં જ મૃતકના પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા.ગામમાં સ્થિતિ સર્જાય નહીં અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ભારે પોલીસ સુરક્ષા વચ્ચે આરોપી પાસે ઘટના સ્થળે કેવી રીતે હુમલો કર્યો, કયા માર્ગે આવ્યો અને કેવી રીતે ફરાર થયો તે અંગે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.આ દરમ્યાન મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અને પોલીસ તથા પરિવાર વચ્ચે શાબ્દિક ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી.
પોલીસ ફરિયાદ મુજબ વરસાદી રાત્રે ગામમાં વિજળી ગુલ થતાં સર્જાયેલા અંધારાનો લાભ લઈ આસિફ મહંમદ પટેલ વસીમ પાસે પહોંચ્યો હતો અને આજે તને જીવતો નહીં છોડું કહી કમરના ભાગે સંતાડેલા છરા વડે ઉપરાછાપરી જીવલેણ ઘા ઝીંક્યા હતા.હાથ, છાતી અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર જીવલેણ ઈજાઓ થતાં વસીમ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.સ્થાનિકોએ તેને પહેલા વાગરા, પછી ભરૂચ અને અંતે વડોદરા સારવાર માટે ખસેડ્યો હતો, પરંતુ સારવાર તેનું કરુણ મોત નિપજ્યું હતું.
મૃતકના ભાઈ અનિશ દિવાનની ફરિયાદના આધારે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. ફરિયાદમાં એવો ઉલ્લેખ છે કે આરોપીને પોતાની પત્ની અને વસીમ વચ્ચે પ્રેમસંબંધ હોવાનો વહેમ હતો અને તે જ શંકાના આધારે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ ફરિયાદમાં નોંધાયેલી બાબત છે અને ઘટનાનું વાસ્તવિક કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
ઘટના બાદ સોશ્યલ મીડિયામાં ઘટના સ્થળેથી છરો અને બુલેટની ચાવી મળી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે વાયરલ વીડિયોની પણ તપાસ શરૂ કરી છે અને વીડિયોમાં દેખાતું હથિયાર હત્યામાં વપરાયેલું જ છે કે નહીં તે અંગે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ પંચનામું સહિત તમામ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે તપાસને આગળ ધપાવી રહી છે. મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું, કે આ હત્યા માત્ર એક વ્યક્તિનું કામ હોઈ શકે નહીં અને સમગ્ર ઘટનામાં અન્ય લોકોની પણ સંડોવણી હોઈ શકે છે.પરિવારજનોએ પોલીસ સમક્ષ માંગ કરી છે કે મુખ્ય આરોપી ઉપરાંત પીઠબળ આપનાર કે કાવતરામાં સામેલ દરેક વ્યક્તિની નિષ્પક્ષ તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે.
આ સમગ્ર કેસમાં વાગરા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન.ગોહિલે પરિવારને સ્પષ્ટ બાહેધરી આપી છે કે તપાસમાં કોઈપણ દોષિતને બચવા દેવામાં આવશે નહીં.જે કોઈની પણ સંડોવણી સામે આવશે તેની સામે કાયદા મુજબ સખત કાર્યવાહી કરવામાં આવશે, તેવી ખાતરી આપતાં PI ગોહિલે જણાવ્યું કે પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે, તમામ પુરાવા એકત્ર કરી રહી છે. અને કેસમાં કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં નહીં આવે. પહાજ હત્યાકાંડ હવે માત્ર એક હત્યાનો કેસ નથી રહ્યો, સમગ્ર વિસ્તારની નજર હવે પોલીસ તપાસ પર છે. હત્યાનું સાચું કારણ શું હતું, શું કોઈ કાવતરું રચાયું હતું. અને તેમાં અન્ય લોકોની ભૂમિકા હતી કે નહીં. તે તમામ સવાલોના જવાબ હવે પોલીસ તપાસમાંથી બહાર આવશે ક્ષા સમગ્ર પંથક રાખી રહ્યું છે.




