– સોલ્વન્ટના પગલે આગે ભયંકર સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ : 5 થી વધુ ફાયર ટેન્ડરોએ આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા
– ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા : 6થી 7 કામદારો કામ કરી રહ્યા હતા
ભરૂચ,
સાયખા GIDCમાં આવેલી MORADIYA CHEMICALS કંપનીમાં આજે થયેલા ભયંકર બ્લાસ્ટથી સમગ્ર ઔદ્યોગિક વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. સોલ્વન્ટના જથ્થામાં આગ લાગતા આગે ભયંકર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડ્યા હતા.
વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી MORADIYA CHEMICALS કંપનીમાં આજે થયેલા ભયંકર બ્લાસ્ટથી સમગ્ર ઔદ્યોગિક વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો.જોરદાર ધડાકા બાદ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઊઠી અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા લગભગ 7 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ નજરે પડ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.ઘટનાના સમાચાર ફેલાતાં આસપાસની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ અને ઉદ્યોગકારોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો.ઘટના બાદ ફાયર બ્રિગેડની 6થી 7 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કર્યા હતા.આગનું પ્રમાણ વધુ હોવાથી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી.હાલ સુધી જાનહાની અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.આગ લાગવાનું ચોક્કસ કારણ અને બ્લાસ્ટ પાછળનું કારણ શું છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.સમગ્ર સાયખા GIDCની આ ગંભીર ઘટનાએ ઔદ્યોગિક સલામતી વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.
MORADIYA CHEMICALSમાં લાગેલી વિકરાળ આગ હજુ સુધી સંપૂર્ણપણે કાબૂમાં આવી ન હતી. આગની તીવ્રતા યથાવત રહેતાં આગને નિયંત્રણ કામગીરી સતત ચાલુ છે.વાગરા પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો તેમજ ઈમરજન્સી સેવાઓ મોટી સંખ્યામાં સ્થળ પર તહેનાત રહી આગ પર કાબૂ મેળવવા અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા જાળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.સમગ્ર વિસ્તારને સુરક્ષાના દૃષ્ટિકોણથી સતર્ક રાખવામાં આવ્યો છે.




