– સ્વચ્છ ભારત મિશન ૨.૦ અને સેનેટરી ઈન્સ્પેકટરની કામગીરી બાબતે અંકલેશ્વર ચીફ ઓફિસરને પણ કારણદર્શક નોટીસ
– ઈન્ચાર્જ સેન્ટરી ઈન્સ્પેકટરને દિન ચારમાં તો ચીફ ઓફિસરને દિન ત્રણમાં સુરત કચેરીમાં ખુલાસા સાથે રૂબરૂ હાજર રહેવા આદેશ
ભરૂચ,
અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તાર માંથી નીકળતા કચરાને પ્રોસેસિંગ માટે પાલિકા હસ્તક પ્લાન્ટમાં નિકાલ કરવામાં આવે છે.પરંતુ ઈન્ચાર્જ સેનેટરી ઈન્સ્પેકટર દ્વારા ગંભીર બેદરકારી રાખવામાં આવતા આરસીએમ સુરત દ્વારા કારણદર્શક નોટીસ પાઠવી દિન ચારમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.
પ્રાદેશિક કમિશ્નર નગર પાલિકાઓની કચેરી સુરત દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના ઈન્ચાર્જ સેનેટરી ઈન્સ્પેકટર નીલિમા મોદીને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે.જે નોટિસમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર નગરપાલિકા હસ્તકના ઘન કચરા વ્યવસ્થાપન પ્રોજેક્ટ હેઠળ કાર્યરત પ્રોસેસીંગ પ્લાન્ટ તથા ડોર-ટુ-ડોર કલેક્શન એજન્સીની કામગીરીમાં અનેક ગંભીર સ્વરૂપની અનિયમિતતાઓ પ્રાથમિક દ્રષ્ટિએ માલૂમ પડેલ છે.
સંદર્ભદર્શિત અન્વયે કમિશ્નર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન તરફથી પ્રાપ્ત થયેલ સૂચનાને અનુલક્ષીને આ કચેરી દ્વારા સદરહુ સંપૂર્ણ પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં
છેલ્લા બે વર્ષથી ઈન્ચાર્જ સેનેટરી ઈન્સ્પેકટર તરીકેની ફરજ પર નીલિમા મોદી કાર્યરત હોવા છતાં હસ્તકની કામગીરી પરત્વે યોગ્ય દેખરેખ/નિયંત્રણ નહી રાખવા સંદર્ભે વિવિધ બાબતોમાં ફરજમાં ગંભીર બેદરકારી જણાય આવી હતી.જેમાં એજન્સી હસ્તકના કર્મચારીઓના પાયાના દસ્તાવેજી પુરાવા (આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક વિગત, પગારસ્લીપ) નિયમાનુસાર મેળવી ચકાસણી કરવાની ફરજમાં બેદરકારી,પ્લાન્ટના વજનકાંટાના કેલિબ્રેશન સર્ટિફિકેટ તથા RDF/Compost ના વેચાણને લગતા દસ્તાવેજી પુરાવા એજન્સી પાસેથી મેળવી ચકાસવાની ફરજમાં બેદરકારી,પ્લાન્ટની મશીનરી છેલ્લા ૨૫ દિવસથી આંશિક બંધ હાલતમાં હોવા છતાં બિલ ચુકવણી અગાઉ યથોચિત વેરિફિકેશન નહી કરવા બદલ ફરજમાં બેદરકારી, DGVCL ના વીજ વપરાશ તથા એજન્સી દર્શિત કચરા નિકાલના આંકડા વચ્ચેની ગંભીર વિસંગતતા ધ્યાને લીધા વગર ચુકવણી થયા બાબતે બેદરકારી,GPCB ના નિયમાનુસાર ફરજિયાત EPR પ્રમાણપત્ર,RDF ગુણવત્તા ચકાસણી અહેવાલ તથા CTO ની નવીનીકરણ વિગતો એજન્સી પાસેથી નિયમિત મેળવવાની ફરજમાં બેદરકારી,ડોર-ટુ-ડોર વાહનોની અનિયમિતતા,અપૂરતું કલેક્શન તથા દારૂ પીને વાહન ચલાવવા સંબંધિત ગંભીર ફરિયાદો પરત્વે અસરકારક નિયંત્રણ/દેખરેખ નહી રાખવા બદલ બેદરકારી દાખવામાં આવી હતી.
આ તમામ બાબતો પ્રાથમિક દ્રષ્ટિએ ઈન્ચાર્જ સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકેની હોદ્દાકીય ફરજોમાં ગંભીર બેદરકારી દર્શાવતા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ તથા જે અન્વયેના ભરતી નિયમો પૈકી કયા નિયમ તથા કઈ શૈક્ષણિક લાયકાતના આધારે આપને ટેલીફોન ઓપરેટરના સંવર્ગ/હોદ્દા પરથી સેનેટરી ઈન્સ્પેક્ટરનો ચાર્જ સુપ્રત કરવામાં આવેલ તેમજ ત્યાર બાદ કાયમી નિમણૂક ફરમાવવામાં આવેલ તેની સંપૂર્ણ વિગત, આપને સોંપાયેલ ફરજોની યાદી તથા આ સંબંધે પસાર થયેલ સંબંધિત તમામ હુકમો તથા ઠરાવોની પ્રમાણિત નકલો અને ૦૭/૧૧/૨૦૨૪ થી આજદિન સુધીમાં એજન્સીને કરવામાં આવેલ બીલ ચુકવણી અન્વયેનું વિઝીટ રજીસ્ટર,આ સમયગાળા દરમ્યાન આપશના દ્વારા હાથ ધરવામાં આવેલ તમામ સ્થળ તપાસણીના અહેવાલો તથા ઈન્ચાર્જ સેનેટરી ઈન્સ્પેકટર તરીકે એજન્સીને આપવામાં આવેલ સૂચનાઓની વિગત તથા જે અન્વયે એજન્સી દ્વારા અમલવારી કરવામાં આવેલ છે કે કેમ? તેની સંપૂર્ણ વિગતો સાથે નોટીસ મળ્યાથી દિન ચારની નિયત મુદતમાં સુરત કચેરીમાં ખુલાસા સાથે રૂબરૂ હાજર રહેવા આથી જણાવવામાં આવે છે.
આ ઉપરાંત નિયત મુદતમાં આપ તરફથી લેખિત ખુલાસા સાથે હાજર નહી થાવ અથવા પ્રાપ્ત થયેલ ખુલાસો અસંતોષકારક જણાશે તો આ બાબતે કંઈ કહેવાનું રહેતું નથી તેમ સમજી, ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ તથા ગુજરાત સેવા શિસ્ત અને અપીલના નિયમો ૨૦૦૨ની જોગવાઈ અન્વયે શિસ્તભંગની કાર્યવાહી તેમજ એકતરફી છુટા કરવા સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
તો બીજી તરફ સ્વચ્છ ભારત મિશન ૨.૦ અને સેનેટરી ઈન્સ્પેકટરની કામગીરી બાબતે અંકલેશ્વર ચીફ ઓફિસરને પણ કારણદર્શક નોટીસ પાઠવી છે.જેમાં સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત નગરપાલિકાના ચાલતા પ્રોસેસિંગ પ્લાન્ટની કામગીરી હેઠળ આવતા વિવિધ ૧૭ જેટલા મુદ્દાઓની માહિતી સાથે રૂબરૂ હાજર રહેવા સાથે નગરપાલિકામાં ફરજ બજાવતા (ઈ.ચા) સેનિટરી ઈન્સ્પેક્ટર નીલિમા મોદીની કાર્ય સોંપણીઓ અને એમનો રેગ્યુલર હોદ્દો તેમજ કેટલા સમયથી સેનિટરી ઈન્સ્પેક્ટરનો ચાર્જ નિયમોનુંસાર આપવામાં આવેલ છે કે કેમ? સાથે એમને ક્યા ક્યા વિભાગના વધારાના ચાર્જ આપવામાં આવેલ છે? તે અંગેનો વિગતવાર અહેવાલ આધાર પુરાવા સહિત દિન ત્રણમાં રજુ કરવા જણાવવામાં આવ્યું છે.




