– ગાયત્રી મંદિરે હજારો દિવડાઓથી મહાઆરતી, નર્મદાષ્ટકમથી સમગ્ર નર્મદા કિનારો ઝળહળી ઉઠ્યો
ભરૂચ,
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મોત્સવની ભરૂચમાં નર્મદા નદી કિનારે હજારો દિવડાથી મહાઆરતી ઉતારી ભવ્ય ઉજવણી કરાઈ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે ભરૂચ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વહીવટી તંત્રના સથવારે ઝાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિરે નર્મદા નદીના પવિત્ર કિનારે ભવ્ય દીપોત્સવ અને મહાઆરતીના આયોજન થકી ઝાકમઝોળ ઉજવણી કરાઈ હતી. હજારો દીવડાઓના ઝગમગતા પ્રકાશ અને નર્મદા મૈયાની મહાઆરતીના દિવ્ય માહોલથી સમગ્ર નર્મદા કિનારો ભક્તિમય બની ઉઠ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદનો દીવડો પ્રગટાવી દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે નર્મદા કિનારે હજારો દીવડાઓ પ્રગટાવી મહાઆરતી યોજાઈ હતી. ઉજ્જૈનથી ખાસ પધારેલા પંડિતો દ્વારા નર્મદા મૈયાની વૈદિક વિધિ સાથે મહાઆરતી ઉતારવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સમર્પણ અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં પવિત્ર નર્મદા નદીમાં 76 નાવડીઓના સથવારે નર્મદા મૈયાને ભાવપૂર્વક ચૂંદડી અર્પણ કરાઈ હતી.સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય, સુખાકારી અને દેશના વિકાસ માટે વિશેષ પ્રાર્થના તથા યજ્ઞનું આયોજન કરાયું હતું.
આ પાવન અવસરે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજ્ય સરકારના જળ અને સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ,ધારાસભ્યો રમેશ મિસ્ત્રી અને રિતેશ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવહાણે, રેન્જ આઈજી સંદીપ સિંઘ, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, DDO યોગેશ કાપસે, પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રીઓ પરેશ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, દુષ્યંત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા,પ્રદેશના ભરતસિંહ પરમાર સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, અધિકારીઓ, કાર્યકરો, મહિલાઓ તથા જિલ્લાના પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દીપોત્સવના કારણે નર્મદા કિનારો જાણે દીવડાઓની રોશનીથી સજી ઉઠ્યો હતો.એક તરફ નર્મદા મૈયાની ભવ્ય મહાઆરતી અને બીજી તરફ હજારો દીવડાઓનો ઝળહળતા પ્રકાશથી સમગ્ર વાતાવરણમાં ભક્તિ અને ઉત્સવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.કાર્યક્રમની તૈયારીઓ અને સમગ્ર આયોજનને લઈને SDM મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી, DYSP સી.કે. પટેલ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના વહીવટી તંત્ર અને અધિકારીઓ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરાઈ હતી.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન નર્મદા કિનારે સુરક્ષા, વ્યવસ્થા અને સુવિધાઓને લઈને તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.




