‘મનોદર્પણ’ અંતર્ગત વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી અંગે બે દિવસીય રાજ્યસ્તરીય પરામર્શ કાર્યક્રમનો શુભારંભ કરાયો

SHARE:

– વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને ઓળખી યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં ‘મનોદર્પણ’ મહત્વપૂર્ણ: કુલપતિ ડો.મધુકર પાડવી

– કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી ૨૧૦ થી વધુ શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ શિક્ષકો, શાળા કાઉન્સેલરો અને અધિકારીઓ જોડાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત વી.આર.ઈન હોટેલ ખાતે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની મહત્વપૂર્ણ પહેલ ‘મનોદર્પણ’ અંતર્ગત વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી અંગે બે દિવસીય રાજ્યસ્તરીય પરામર્શ કાર્યક્રમનો શુભારંભ રાજપીપલા બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના કુલપતિ ડો.મધુકર પાડવી તથા નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના કુલપતિ ડો.મધુકર પાડવીએ જણાવ્યું હતું કે, ‘મનોદર્પણ’ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા વિવિધ પાસાઓને ઓળખી તેમને યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં મહત્વની મદદ મળશે.વિદ્યાર્થીઓ માનસિક રીતે સ્વસ્થ અને સશક્ત બની શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપે તે દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ રાજ્યસ્તરીય પરામર્શ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી આશરે ૨૧૦ શિક્ષકો, શાળા કાઉન્સેલરો ઉપરાંત રાજ્ય, જિલ્લા, બ્લોક અને શાળા કક્ષાના શૈક્ષણિક અધિકારીઓ તથા સંબંધિત ક્ષેત્રના કાર્યકર્તાઓનો સમાવેશ થયો છે.રાજ્યસ્તરીય પરામર્શ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં જોવા મળતી માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ અંગે શિક્ષકો તથા શૈક્ષણિક તંત્રને વધુ સંવેદનશીલ બનાવવાનો તેમજ શાળાઓમાં સુરક્ષિત, સહાયક અને બાળકેન્દ્રિત વાતાવરણ ઊભું કરવાનો છે.

કાર્યક્રમ દરમ્યાન વિવિધ નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓમાં જોવા મળતી વિવિધ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, મનોવૈજ્ઞાનિક પ્રાથમિક સહાય , ભાવનાત્મક સુરક્ષા માટેની વ્યૂરચનાઓ તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને જરૂરી સેવાઓ સાથે જોડવા માટેની રેફરલ વ્યવસ્થા અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે.

રાજ્યસ્તરીય પરામર્શ કાર્યક્રમના મહત્વપૂર્ણ પરિણામરૂપે ગુજરાતમાં ‘મેન્ટલ હેલ્થ એમ્બેસેડર્સ’ અને શિક્ષક-મેન્ટર્સનું નેટવર્ક વિકસાવવામાં આવશે. તાલીમ પ્રાપ્ત શિક્ષકો માસ્ટર ટ્રેનર્સ તરીકે કાર્ય કરીને રાજ્યની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી અંગે જાગૃતિ, સંવેદનશીલતા તથા યોગ્ય માર્ગદર્શનની પ્રક્રિયાને વધુ વ્યાપક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!