નર્મદા ડેમ છલકાતા ગુજરાતમાં ખુશીની લહેર : CM ભૂપેન્દ્ર પટેલે કર્યા નર્મદા મૈયાના વધામણા

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર એટલે કે 455 ફૂટે પહોંચતા ગુજરાતમાં ખુશીનો માહોલ છવાયો છે.એકતાનગર પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના પાવન જળના વધામણાં કર્યા હતા. એકતાનગર ડેમ સાઇટ ખાતે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીએ જળપૂજન વિધિ કરી હતી. વર્ષ 2017માં નર્મદા બંધ રાષ્ટ્રને અર્પણ થયા બાદ ડેમ સતત સાતમી વખત તેની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.

સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચતા એકતાનગર ખાતે વિશેષ જળપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના પાવન જળના વધામણાં કરી ગુજરાત માટે આ ક્ષણને મહત્વપૂર્ણ ગણાવી હતી.ડેમની સપાટી 138.68 મીટર એટલે કે 455 ફૂટે પહોંચી છે.આ સપાટીએ નર્મદા જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા આશરે 9,460 મિલિયન ઘન મીટર છે.નર્મદા ડેમ છલકાતા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પાણીની જરૂરિયાતોને લઈને પણ રાહતની સ્થિતિ ઊભી થઈ છે.મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા જળપૂજન દરમિયાન પરંપરાગત વિધિ અને મંત્રોચ્ચાર સાથે નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું.

17સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા બંધને રાષ્ટ્રને અર્પણ કર્યો હતો.ત્યાર બાદ અત્યાર સુધીમાં નર્મદા ડેમ કુલ સાત વખત તેની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. વર્ષ 2019, 2020, 2022, 2023, 2024, 2025 અને હવે 2026માં ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. નર્મદા ડેમની ઊંચાઈ વધારવા માટેની કામગીરીને મંજૂરી મળ્યા બાદ ડેમના બાકી કામને પૂર્ણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 17 જૂન 2017ના રોજ ડેમના તમામ 30 દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને 17 સપ્ટેમ્બર 2017ના રોજ નર્મદા બંધનું રાષ્ટ્રાર્પણ કરવામાં આવ્યું હતું.ત્યારથી નર્મદા ડેમ ગુજરાત માટે પાણીના મહત્વના સ્ત્રોત તરીકે કાર્યરત છે.નર્મદા યોજના દ્વારા ગુજરાતના 10,453 ગામો, 191 શહેરો અને 7 મહાનગરપાલિકાઓને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.આ રીતે રાજ્યના આશરે 4 કરોડ નાગરિકો માટે નર્મદાનું પાણી મહત્વપૂર્ણ જળસ્રોત બન્યું છે.ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતાને લઈને રાહતની સ્થિતિ જોવા મળી રહી છે.નર્મદા યોજનાના માધ્યમથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા પાણીની જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં પણ વિવિધ યોજનાઓ મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. ડેમ છલકાવાની આ સ્થિતિ ગુજરાત માટે જળ વ્યવસ્થાપનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.

 

ચાલુ ચોમાસા દરમ્યાન સુજલામ-સુફલામ અને સૌની યોજના મારફતે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે.મળતી વિગતો મુજબ ચાલુ જળ વર્ષ દરમિયાન સુજલામ-સુફલામ યોજના હેઠળ 201 MCM એટલે કે 7,118 MCFT પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 1,028 તળાવો ભરવામાં આવ્યા છે.બીજી તરફ સૌની યોજના હેઠળ 288 MCM એટલે કે 10,189 MCFT પાણી આપવામાં આવ્યું છે. આ પાણીથી 167 તળાવો, 1,014 ચેકડેમ અને 45 ડેમ ભરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.આમ વિવિધ વિસ્તારોની જરૂરિયાત પ્રમાણે તળાવો, ચેકડેમ અને જળાશયોમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે.નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચ્યો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા પાણીના સમજદારીપૂર્વક ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વર્ષ અલ-નીનોની સ્થિતિ વચ્ચે નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો છે,જે ગુજરાત માટે રાહત અને આનંદની બાબત છે. જોકે સમગ્ર નર્મદા બેસીનમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાનમાં લેતા સામાન્ય વર્ષોમાં ગુજરાતને ફાળવવામાં આવતા 9 મિલિયન એકર-ફૂટ પાણીની સરખામણીએ હાલમાં આશરે 7.9 મિલિયન એકર-ફૂટ પાણી ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.તેથી ઉપલબ્ધ નર્મદાના જળનો કરકસરપૂર્વક અને આયોજનબદ્ધ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.પાણીના દરેક ટીપાનો મહત્તમ સદુપયોગ થાય અને આગામી સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જળ સંચાલન કરવામાં આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા લોકોને સહયોગ આપવા સૂચન કરવામાં આવ્યું છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!