– શકરસિંહ વાઘેલાએ મેલું ઉઠાવવા અંગે કરેલા નિવેદન મામલે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ટિપ્પણી કરવાનું ટાળ્યું
ભરૂચ,
ગાંધીનગરના દહેગામ સ્થિત ‘જોગી જલિયાણ ડેરી’માં ચાલતા ભેળસેળયુક્ત ઘી બનાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું કડક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે રાજ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાંખી લેવામાં આવશે નહીં.
ભરૂચ ખાતે મંત્રી પ્રફુલ્લ પાનસૂરીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં એક પણ ફેક્ટરી કે આવી બદમાશી ભરેલી પ્રવૃત્તિ ચાલવા દેવામાં આવશે નહીં.જાગૃત નાગરિકો જો આવા કૌભાંડોની માહિતી નજીકના પોલીસ સ્ટેશન અથવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આપશે,તો ત્વરિત અને સખત કાર્યવાહી કરવામાં આવશે.
.તપાસ દરમ્યાન ડેરીમાંથી કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે કે ડેરીમાં દૂધ, મલાઈ કે માખણનો જથ્થો ન હોવા છતાં મોટા પ્રમાણમાં ઘી બનાવવામાં આવતું હતું.સ્થળ પરથી ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતા ૪૦૦ જેટલા પામ ઓઈલના ડબ્બા મળી આવ્યા હતા.જે કૌભાંડની ગંભીરતા દર્શાવે છે.આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સંડોવાયેલા શખ્સો સામે કડક પગલાં લેવાની તૈયારી છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા ‘મેલું ઉઠાવવા’ અંગે આપવામાં આવેલા નિવેદન વિશે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.




