ભરૂચ,
કેન્સર… એક એવું નામ, જે સાંભળતા જ પરિવારની ચિંતા વધી જાય છે. પરંતુ કેન્સર સામેની લડાઈમાં જાગૃતિ અને સમયસર તપાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બને અને ગંભીર બીમારીનું સમયસર નિદાન થઈ શકે તેવા હેતુથી ભરૂચમાં સંવેદનશીલ અને સેવાભાવી પહેલ કરવામાં આવી.
ભરૂચમાં જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે નિઃશુલ્ક આરોગ્ય અને કેન્સર તપાસ શિબિર યોજાઈ હતી.
પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યની ચિંતા કરતી મહિલાઓ ઘણી વખત પોતાના સ્વાસ્થ્યને પાછળ રાખી દે છે.ત્યારે મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા અને સમયસર તપાસનું મહત્વ સમજાવવા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં સ્તન કેન્સર, મોઢાના કેન્સર તેમજ ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓને કાઉન્સેલિંગ અને HPV રસીકરણ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહત્વની વાત એ છે કે આ પહેલ માત્ર તપાસ સુધી સીમિત રહી નહોતી. મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય અંગે સજાગ રહેવા, શંકાસ્પદ લક્ષણોને અવગણવા નહીં અને જરૂરી હોય ત્યારે સમયસર તબીબી સલાહ લેવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.શિબિરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુલાબી રંગના ડ્રેસ કોડ સાથે મહિલાઓએ ઉપસ્થિત રહી કેન્સર જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જીગ્નશા ગોસ્વામી, પ્રોજેક્ટ મેનેજર શેફાલી પંચાલ, ઉન્નતિ પંચાલ, અલ્પાબેન પટેલ, નયનાબેન ખુમાણ, પૂજાબેન બેદી, હીનાબેન ટેલર અને મેઘાબેન ગાંધી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી શિબિરનો લાભ લીધો હતો.જ્યારે જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના ડોક્ટર ભૂમિકાબેન પંચાલ, નમ્રતા બેન રાઠોડ અને તેમની ટીમ દ્વારા મહિલાઓની તપાસ, માર્ગદર્શન અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
મહિલા માત્ર પરિવારની જવાબદારી સંભાળતી વ્યક્તિ નથી… તે પરિવારના સ્વાસ્થ્ય અને સંસ્કારનું પણ મહત્વપૂર્ણ કેન્દ્ર છે. એટલે મહિલાનું સ્વાસ્થ્ય જળવાય, તો પરિવાર પણ વધુ સ્વસ્થ રહે છે… અને સ્વસ્થ પરિવારોમાંથી જ સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. કેન્સર સામેની લડાઈમાં ડર નહીં, જાગૃતિ જરૂરી છે. બેદરકારી નહીં, સમયસર તપાસ જરૂરી છે અને માત્ર સારવાર નહીં, યોગ્ય માર્ગદર્શન પણ જરૂરી છે.પોતાના સ્વાસ્થ્યને સમય આપીએ અને આપણી આસપાસની દરેક મહિલાને પણ સમયસર તપાસ માટે પ્રેરિત કરીએ.




