સંસદ ભવનમાં ઝઘડિયાના નવા ટોઠીદરા શાળાના વિદ્યાર્થીઓની ગૌરવભરી ઉપસ્થિતિ

SHARE:

– રાષ્ટ્રીય નેતાઓની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં નવા ટોઠીદરા શાળાના વિદ્યાર્થીઓની ગૌરવપૂર્ણ ભાગીદારી
ભરૂચ,
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની પ્રાથમિક શાળા નવા ટોઠીદરા માટે બીજી ઓક્ટોબરનો દિવસ ગૌરવ, આનંદ અને ઐતિહાસિક સિદ્ધિનો દિવસ બની રહ્યો.“આપણા દેશના યુવાનોની સંસદમાં રાષ્ટ્રીય નેતાઓને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાતા કાર્યક્રમોમાં ભાગીદારી” વિષય અંતર્ગત ભારતીય સંસદ ભવન દિલ્હી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ભાગ લેવા માટે શાળાના વિદ્યાર્થીઓને ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ આમંત્રણને માન આપીને પ્રાથમિક શાળા નવા ટોઠીદરાના બે તેજસ્વી વિદ્યાર્થીઓ માછી ભાવિક રમેશભાઈ અને પટેલ જેનિલકુમાર અશોકભાઈ તથા તેમના માર્ગદર્શક શિક્ષક પટેલ ઉર્વેશકુમાર દિનેશભાઈએ ભારતીય સંસદભવન ,દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.તેઓ એ વર્ષ 2025-2026 માં 52 મો રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળા માં ,ભોપાલ ખાતે વિધાર્થીઓ એ પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. ત્યાં તેઓએ શ્રેષ્ઠ પ્રોજેક્ટ રજૂ કરવા બદલ તેમને સંસદભવનમાં 2 જી ઓક્ટોમ્બર ના રોજ મુલાકાત માટે નુ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
દેશની લોકશાહીનું પવિત્ર સ્થાન એવા સંસદ ભવનમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલા,રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત કેન્દ્રીય મંત્રીમંડળના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સાથે જ અન્ય પક્ષના અગ્રણીઓ સોનિયા ગાંઘી, મલ્લિકાર્જુન ખડગે,રાહુલ ગાંધીજી સહિતના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અને ભવ્યતા પ્રદાન કરી હતી.આવા મહાન રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવાની તક વિદ્યાર્થીઓ માટે માત્ર એક કાર્યક્રમમાં હાજરી પૂરતી નહોતી પરંતુ તેમના જીવનની એક અવિસ્મરણીય અને ગૌરવપૂર્ણ સિદ્ધિ બની હતી.
આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓને દેશના મહાન નેતાઓના જીવન, વિચારો અને રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને નજીકથી સમજવાની તક મળી હતી.સાથે જ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના, લોકશાહી પ્રત્યે આદર અને જવાબદાર નાગરિક બનવાની ભાવના વધુ મજબૂત બની હતી.
નવા ટોઠીદરાની શાળાના વિદ્યાર્થીઓનું સંસદ ભવન સુધી પહોંચવું સમગ્ર ગામ અને શાળા પરિવાર માટે ગૌરવની વાત બની છે.વિદ્યાર્થીઓની આ નોંધપાત્ર ભાગીદારીએ શાળાની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને નવી ઓળખ આપી છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાનું કાર્ય કર્યું છે.
વિદ્યાર્થીઓની આ અદ્વિતીય સિદ્ધિ બદલ શાળાના આચાર્ય, સમગ્ર શાળા સ્ટાફ, CRC-BRC પરિવાર, TPEO, DIET પરિવાર, DEO તથા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વિદ્યાર્થી તથા માર્ગદર્શક શિક્ષકને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
“નાના ગામથી સંસદ ભવન સુધીની આ ગૌરવયાત્રા માત્ર બે વિદ્યાર્થીઓની સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર નવા ટોઠીદરા ગામ, શાળા પરિવાર, ઝઘડીયા તાલુકા અને ભરૂચ જિલ્લા માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક છે.”

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!