– કર્મચારીઓ દ્વારા કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો
– 5 ઓક્ટોબરે માસ સી.એલ પર ઉતર્યા બાદ હડતાળનું શસ્ત્ર ઉઠાવ્યું : પ્રશ્નો અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નિરાકરણ નહીં આવતા રોષ
– લાંબા સમયથી પડતર રહેલી 14થી વધુ માંગણીઓના નિરાકરણની માંગ : પડતર માંગણીઓનો ઉકેલ વહેલી તકે લાવવા માંગ કરી
ભરૂચ,
ભરૂચમાં મહેસુલી કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવી છે જેમાં કર્મચારીઓ દ્વારા કાળા કપડા પહેરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચમાં મહેસૂલી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન યથાવત રહ્યું છે. 5 ઓક્ટોબરે માસ સી.એલ પર ઉતર્યા બાદ આજે 7 ઓક્ટોબરથી મહેસૂલી કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે.ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓ કાળા કપડાં પહેરી ધરણા પર બેઠા હતા.મહેસૂલી કર્મચારીઓ લાંબા સમયથી પડતર રહેલી 14થી વધુ માંગણીઓના નિરાકરણની માંગ કરી રહ્યા છે.જેમાં બઢતી-બદલીના પ્રશ્નો, મહેસૂલી તલાટીઓનો જોબ ચાર્ટ, પગાર ધોરણમાં સુધારો, સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવી અને મૂળ જોબ ચાર્ટ સિવાયનું વધારાનું કામ દૂર કરવું સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે.કર્મચારીઓનું કહેવું છે કે આ પ્રશ્નો અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી નક્કર ઉકેલ આવ્યો નથી.જેના પગલે કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.માસ સી.એલ બાદ હવે અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ થતાં ભરૂચની મહેસૂલી કચેરીઓમાં સરકારી કામગીરી પર અસર પડવાની શક્યતા છે.કર્મચારીઓએ સરકાર વહેલી તકે તેમની પડતર માંગણીઓનો ઉકેલ લાવે તેવી માંગ કરી છે.




