વડોદરા,
સરસ્વતીચંદ્ર મહાનવલના લેખક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી જેના પ્રથમ પ્રમુખ બન્યા હતા એવી ૧૨૧ વર્ષ જૂની આ સંસ્થામાં પ્રમુખ તરીકે કાકા સાહેબ કાલેલકર, મહાત્મા ગાંધી, કનૈયાલાલ મુનશી,બ.ક.ઠાકોર, ચં.ચી.મહેતા, ભગવતીકુમાર શર્મા, વિનોદ ભટ્ટ જેવા સાહિત્યના ધુરંધરોએ પ્રમુખ પદે રહીને માર્ગદર્શન કર્યું હતુ.
ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી સર્જન અને સર્જકો માટે પ્રેરક અને પોષક છે.પરિષદની મધ્યસ્થ સમિતિની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ૨૦૨૭-૨૮-૨૯ એમ ત્રણ વર્ષની સંવાહક સમિતિ માટે થનારી મધ્યસ્થ સમિતિ માટે વડોદરામાં પણ ચહલપહલ ચાલી રહી છે.
દીર્ઘકાલિન અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા પ્રખર વકતા અને પચાસ જેટલાં વિવેચન અને સંપાદનના પુસ્તકો જેમના નામે છે એવા ડૉ.ભરત મહેતાએ ઉમેદવારી નોંધાવી છે.ભરતભાઈ અભ્યાસ કાળમાં પણ તેજસ્વી હતા.તેઓએ અભ્યાસ દરમમ્યાન છ જેટલા સુવર્ણ ચંદ્રકો અર્જિત કરેલા છે.
જાણીતા કવિ અને નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી કવિ નૈષધ મકવાણાએ પણ ચૂટણીમાં ઉમેદવારી કરી છે તેઓના ગીતસંગ્રહ, ગઝલ સંગ્રહ,અને સમસામયિક લેખના મળીને છ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયેલાં છે.સાહિત્ય સેતુ નામની એક સંસ્થા ચલાવે છે.
એડવોકેટ અને ગઝલકાર દિનેશ ડોંગરે વડોદરામાં બુધસભાના સંયોજક છે.હિન્દી અને ગુજરાતીમાં દસ જેટલા સંગ્રહો તથા સમીક્ષા અને સંપાદનના પાંચ પુસ્તકો પ્રકાશિત થયા છે.ગઝલક્ષેત્રે વડોદરામાં તેઓનું મોખરાનું સ્થાન છે.
ઝાયડસ મેડીકલ કૉલેજના પ્રોફેસર અને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર, કવયિત્રી ડૉ.દીના શાહ ગઝલ સર્જનમાં ખૂબ જાણીતું નામ છે.દીના બહેનના સાત જેટલા કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયેલા છે.
કવિ રાજેન્દ્ર પાઠક પોતે કવિ જયંત પાઠકના પરિવારના હોવાના નાતે સાહિત્યનો વારસો બચપણથી મળ્યો.તેઓના ચાર પુસ્તકો પ્રકાશિત થયેલા છે.એ જ રીતે જાણીતા ચિત્રકાર અને કવિ પીયૂષ ઠક્કર ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસના અધ્યાપક છે.તેઓએ ‘પરબ’ના મુખપૃષ્ઠ બનાવેલાં છે અને બે કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયેલા છે.ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ ચૂંટણીમાં આ વખતે છ સાહિત્યકારો એ ઝંપલાવ્યું હોય એવી પ્રથમ ઘટના છે.
બંધારણ મુજબ એક પ્રમુખપદના ઉમેદવાર બે છે જે પૈકી એકને જ મત આપવાનો છે.મધ્યસ્થ સમિતિમાં એકાણું ઉમેદવાર છે જેમાંથી કોઈ પણ ચાલીસ સભ્યોને જ મત આપવાનો છે તથા પરિષદની સંલગ્ન સંસ્થાના ઉમેદવાર તરીકે છ ઉમેદવારો છે જેમાંથી પાંચ સભ્યોને જ મત આપવાનો છે. આ રીતે જ મત અપાય તેવું મતપત્રક માન્ય ગણાશે.આ ત્રણેય કેટેગરીમાં ઓછા કે વધારે ઉમેદવારને મત આપવામાં આવે તેવાં મત પત્રકો રદબાતલ ઠરે.એટલે મતદાતાએ ધીરજ રાખીને કાળજીપૂર્વક સૂચનાનુસાર મત આપવા.
૨૦૨૬ ની પરિષદની આ ચૂંટણીના મતદારો ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં, મુંબઈ સહિત અન્ય રાજ્યોમાં અને વિદેશમાં પણ રહે છે.ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યો અને જેમને ઘરે પરિષદનું મુખપત્ર ‘પરબ’ જાય છે એ બધા મતદાતાએ મત આપી શકશે.
ગુજરાતી ભાષા-સાહિત્યના સંરક્ષણ અને સંવર્ધન માટે અનેક પ્રકલ્પો તથા અનેકવિધ પ્રવૃત્તિઓ થકી કાર્યરત આ સંસ્થા સક્ષમ અને સુદ્રઢ બને એના માટે સહુ કામ કરી રહ્યા છે.




