ભરૂચ,
ખેલ મહાકુંભ ૨૦૨૬ અંતર્ગત આજરોજ જિલ્લા રમત સંકુલ ભરૂચ ખાતે બહેનોની તાલુકાકક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં અંડર-૧૪, અંડર-૧૭ તથા ઓપન કેટેગરીમાં કુલ ૩૪ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લાના માનનીય પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તેમણે ઉપસ્થિત ખેલાડીઓને પ્રોત્સાહિત કરી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાનોએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કોઈને કોઈ રમત સાથે જોડાવું જોઈએ. રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં,પરંતુ માનસિક સ્વસ્થતા,શિસ્ત,આત્મવિશ્વાસ, ટીમભાવના અને સકારાત્મક અભિગમના વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.તેમણે તમામ ખેલાડીઓને રમતગમતમાં સતત આગળ વધવા તથા કોઈપણ એક રમતને પોતાના જીવનનો ભાગ બનાવી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો.
ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવો, પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય મંચ પૂરો પાડવો તથા યુવાનો અને નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.આ પ્રકારની સ્પર્ધાઓ બહેનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવાની સાથે તેમની પ્રતિભાને ઉજાગર કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે.
જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા સ્પર્ધાના સુચારુ આયોજન માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ટીમો અને ખેલાડીઓના ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો તથા તેમના રમતગમતના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.




