માં ખોડલના જયકાર સાથે પ્રથમ નોરતે કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ

SHARE:

– પ્રથમ નોરતે પદયાત્રા, ધ્વજારોહણ અને યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

– પદયાત્રામાં ઠેર ઠેરથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા, માં ખોડલના આશીર્વાદ લઈ નવલાં નોરતાંનો પ્રારંભ

રાજકોટ,

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે ૧૧ ઓક્ટોબર ને રવિવારના રોજ કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના આગેવાનીમાં કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પ્રથમ નોરતે પદયાત્રા, મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરી નવરાત્રિનો શુભારંભ કર્યો હતો.

પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. કાગવડ ગામે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માં ખોડલની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ નરેશભાઈ પટેલે કાગવડ ગામ સ્થિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાગવડ ગામથી ૯ વાગ્યે પદયાત્રાની શરૂઆત થઈ હતી. પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં માં ખોડલના જય જયકાર સાથે શ્રદ્ધાળુઓ કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા.પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો.

 

આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ,રાજકીય-સામાજિક આગેવાનો, શ્રી ખોડલધામના ઝોન, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ યુવા સમિતિ, શ્રી ખોડલધામ મીડિયા સમિતિ, શ્રી ખોડલધામ લિગલ સમિતિ, શ્રી ખોડલધામ શિક્ષણ પાંખ,શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવની ટીમના સભ્યો, અન્ય વિવિધ સમિતિઓ, રાજકોટના તમામ સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા લેઉવા પટેલ સમાજના પરિવારના સભ્યો, સમાજની સંસ્થાઓના સભ્યો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

પદયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ફરાળ અને અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી અને ઠંડા પીણા સહિતની વ્યવસ્થા સારી રીતે સંભાળી હતી.

નવરાત્રિ દરમિયાન દરરોજ શ્રી ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરવામાં આવશે અને માં ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો મા ખોડલની આરાધના કરશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને શણગારી દેવામાં આવ્યું છે. 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!