બિરલા કોપર દ્વારા ભરૂચ જિલ્લામાં ટીબી દર્દીઓ માટે “નિક્ષય મિત્ર પ્રોજેક્ટ”નો પ્રારંભ

SHARE:

ભરૂચ,

આદિત્ય બિરલા ગ્રુપની ફ્લેગશિપ મેટલ્સ કંપની હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની યુનિટ બિરલા કોપર, દહેજ દ્વારા ભારત સરકારના “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત “નિક્ષય મિત્ર પ્રોજેક્ટ” નો આજ રોજ વાગરા તાલુકામાં પ્રારંભ કરવામાં આવ્યો.આ પહેલ દ્વારા બિરલા કોપરે સમાજના આરોગ્ય સશક્તિકરણ અને ટીબી મુક્ત ભારતના રાષ્ટ્રીય સંકલ્પને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ પ્રોજેક્ટ હેઠળ સરકારી આરોગ્ય વિભાગ દ્વારા ઓળખાયેલા ભરૂચ જિલ્લાના 69 ક્ષયરોગ (ટીબી) દર્દીઓને 12 મહિના સુધી પોષણ સહાય પૂરી પાડવામાં આવશે. લોન્ચ કાર્યક્રમ દરમિયાન 40 લાભાર્થીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે બાકીના 29 દર્દીઓને તેમની સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs) અને ગામ સ્તરની આરોગ્ય વ્યવસ્થા મારફતે પોષણ કિટ પહોંચાડવામાં આવશે, જેથી તમામ નોંધાયેલા લાભાર્થીઓને સતત અને સમયસર સહાય મળી રહે.

ટીબીની સારવાર દરમ્યાન યોગ્ય પોષણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને બિરલા કોપર દ્વારા માત્ર પોષણ કિટ જ નહીં પરંતુ દર્દીઓને નિયમિત સારવારનું પાલન, વ્યક્તિગત સ્વચ્છતા, સંતુલિત આહાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં પૂનમ તંબા જિલ્લા ક્ષયરોગ અધિકારી (DTO), ભરૂચ, પ્રવીણસિંગ તાલુકા આરોગ્ય અધિકારી (THO), વાગરા આરોગ્ય વિભાગના અધિકારીઓ, બિરલા કોપર દહેજ તેમજ ઈ-વેસ્ટ અને સેકન્ડરી કોપર રિસાયક્લિંગ યુનિટ, પાખાજણની CSR ટીમના પ્રતિનિધિઓ તથા અમલીકરણ સંસ્થા સાથે ગ્રામિણ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ટીબીની અસરકારક સારવારમાં પોષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને બિરલા કોપર દ્વારા હાથ ધરવામાં આવેલી નિક્ષય મિત્ર પહેલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેટ ક્ષેત્ર અને સમાજના સહયોગ દ્વારા જ દેશને ટીબી મુક્ત બનાવવાના રાષ્ટ્રીય લક્ષ્યને ઝડપી ગતિ મળી શકે છે.

બિરલા કોપર, દહેજના યુનિટ હેડ કે.કુમારવેલે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે “બિરલા કોપરમાં અમે માનીએ છીએ કે સારા સ્વાસ્થ્ય વિના સમાજનો સર્વાંગી વિકાસ શક્ય નથી.નિક્ષય મિત્ર પ્રોજેક્ટ દ્વારા અમે ટીબી દર્દીઓને તેમની સારવાર દરમિયાન જરૂરી પોષણ સહાય પૂરી પાડી રહ્યા છીએ અને ટીબી મુક્ત ભારતના સરકારના વિઝનમાં યોગદાન આપી રહ્યા છીએ.આ પહેલ અમારી આસપાસના સમુદાયોના જીવનમાં સકારાત્મક અને લાંબા ગાળાનો બદલાવ લાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.”

લાભાર્થીઓ અને તેમના પરિવારજનોએ બિરલા કોપર, આરોગ્ય વિભાગ અને સાથ ગ્રામિણ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે મળતી પોષણ સહાય તેમને સારવાર દરમિયાન સ્વાસ્થ્ય જાળવવામાં અને આત્મવિશ્વાસ સાથે સારવાર પૂર્ણ કરવામાં મદદરૂપ બનશે.

એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે બિરલા કોપર, દહેજ આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ, ટકાઉ આજીવિકા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોમાં અસરકારક CSR કાર્યક્રમો અમલમાં મૂકી રહ્યું છે. નિક્ષય મિત્ર પ્રોજેક્ટ આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું છે, જે નબળા વર્ગોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાની સાથે દેશને વધુ સ્વસ્થ અને ટીબી મુક્ત બનાવવા માટે યોગદાન આપશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!