– રાજપારડીમાં કેબીન હટાવવા બાબતે વેપારી પર પથ્થરમારો કરી પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી : એક સામે પોલીસ ફરિયાદ
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
રાજપારડી ખાતે નેત્રંગ રોડ પર આવેલી પાન-મસાલાની કેબીન હટાવવાના મુદ્દે તકરાર કરી, વેપારી તથા તેમના ભાઈ પર છૂટા પથ્થરો વડે હુમલો કરી કેબીન સળગાવી દેવાની ધમકી આપવા બદલ એક શખ્સ સામે રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજપાડી ગામે દબાણ બાબતે ગત તા.૧૩ મી ના રોજ મારામારીની ઘટના બની હતી જેમાં હિરલ પટેલ દ્વારા પાંચ ઈસમો એ તેને માર માર્યો હોવાની રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ ઘટનામાં હિરલ પટેલ સામે પણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.મળતી માહિતી મુજબ રાજપારડીના માધવપુરા દરબાર ફળિયામાં રહેતા ૪૩ વર્ષીય અજયસિંહ કેશરોલા ચાર રસ્તા પાસે નેત્રંગ રોડ પર છેલ્લા ૧૫ વર્ષથી પાન-મસાલાની કેબીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગત તા. ૧૩ ઓક્ટોબરના રોજ બપોરે સાડા અગિયાર વાગ્યાના સુમારે જ્યારે જી.ઈ.બીના કર્મચારીઓ વીજ થાંભલા નાખવાની કામગીરી કરી રહ્યા હતા.ત્યારે સોસાયટીમાં રહેતા હિરલભાઈ જયવદનભાઈ પટેલ ત્યાં આવી પહોંચ્યા હતા. હિરલ પટેલે આવીને અહીં વીજળીનો થાંભલો નાખવાનો હોવાનું કહી કેબીન હટાવી લેવા દબાણ કર્યું હતું. વેપારી અજયે એ કેબીન હટાવવાનો ઇનકાર કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ જમીન પરથી છૂટા પથ્થરો ઉપાડી વેપારી, તેમના ભાઈ તથા કેબીન પર ફેંક્યા હતા અને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન આસપાસના લોકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો.ઘટના બાદ આરોપી હિરલ પટેલ જતાં જતાં જો કેબીન નહીં હટાવે તો તેના પર પેટ્રોલ છાંટીને સળગાવી દેવાની જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.આ બાબતે વેપારી અજયસિંહે કેશરોલા એ રાજપારડી પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.




