ભરૂચ,
અસત્ય પર સત્યના વિજય સ્વરૂપ દશેરા પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે.ત્યારે ભરૂચમાં આ પર્વ એક અનોખી માન્યતા સાથે ઉજવાય છે.સિંધવાઈ માતાના મંદિરના આંગણમાં આવેલ સમડીના વૃક્ષની છાલ લઈ લોકો દેવું ઉતારવા અને આર્થિક તંગી માંથી બહાર આવવા માટે એક વિશેષ પૂજા કરે છે.
હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ પવિત્ર અને મોટું ધાર્મિક મહત્વ છે.શાસ્ત્રો અને પૌરાણિક કથાઓ અનુસાર સમડીનું વૃક્ષ વિજય, સુખ-સમૃદ્ધિ અને મુશ્કેલીઓ માંથી મુક્તિ અપાવનારું માનવામાં આવે છે.આસો નવરાત્રી પર્વ પૂર્ણ થતા જ વિજ્યાદશમીનો પર્વ આવે છે. આ પર્વને લઈને ભરૂચમાં સૈકાઓથી સિંધવાઈ માતાના મંદિરે એક અનોખી માન્યતા પ્રચલિત છે.
ભક્તોનું માનવું છે કે મંદિર પરિસરમાં રહેલા સમીવૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરવાથી દેવું ઉતરી જાય છે.આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા દૂર દૂરથી લોકો પોતે ઋણ મુક્ત થવા દોડી આવે છે, તેઓ મંદિરમાં આવીને આંગણામાં રહેલા સમી વૃક્ષની છાલ નખથી ઉતારીને માતાજીને અર્પણ કરે છે, આ છાલને ત્યારબાદ ચુંદડીમાં મૂકીને ઘરની તિજોરીમાં રાખવામાં આવે છે, માન્યતા છે કે આમ કરવાથી ધન વૃદ્ધિ થાય છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે,આ પરંપરા ભરૂચની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનો એક ભાગ છે.જયાં દશેરાના દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક માતાના આશીર્વાદ લેવા ઉમટી પડે છે.



