– ૧૭ મીના રોજ થવા ખાતે એક મકાનમાં થયેલ ચોરીમાં સદર આરોપી સાથે અન્ય બે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરો સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું
(વિજય વસાવા, નેત્રંગ)
ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી રાત્રિ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પોલીસ દ્વારા સોનાની ચેઈન, લોકેટ,વીંટી,મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧૯૭૬૭૪ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે વ્યક્તિઓ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
નેત્રંગ તાલુકાના થવા ગામે ગત તા.૧૭ ઓકટોબરના રોજ એક મકાનમાં ચોરી થઈ હતી જેના અનુસંધાને નેત્રંગ પોલીસ ઈન્સ્પેક્ટર વી.એસ.વણઝારાએ અલગઅલગ પોલીસ ટીમો બનાવી તપાસ હાથધરી હતી.પોલીસને તપાસ દરમ્યાન ઘરફોડ ચોરીના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોરીમાં સંડોવણી અંગે મળેલી માહિતીના આધારે પોલીસે દીપકકુમાર વસાવા નામના ઈસમને ઝડપી પાડ્યો હતો.ત્યાર બાદ આરોપીએ તેના બે સગીર મિત્રો સાથે ભેગા મળી ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો.વિગતો મુજબ તા.૧૭ ઓક્ટોબરના રોજ ત્રણેયે ભેગા મળીને થવા સ્ટેશન ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈના ઘરે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આરોપીના જણાવ્યા મુજબ રાત્રિના આશરે ૧૦ વાગ્યાના અરસામાં તે લોકો ગામના મહેન્દ્રભાઈના ઘરની પાછળના ભાગમાં ગયા હતા,અને ઘરમાંથી ચોરી કરી હતી.ત્યાર બાદ નેત્રંગ પોલીસે ચોરીમાં વપરાયેલા મોપેડ તથા ચોરીમાં ગયેલા મુદ્દામાલને કબ્જે કર્યો હતો.પોલીસે સોનાની ચેઈન,સોનાનાં લોકેટ, સોનાની વીંટી,મોબાઈલ ફોન ૨ નંગ,એક મોપેડ,ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને બેંકની પાસબુક મળી કુલ રૂપિયા ૧૯૭૬૭૪ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે પકડાયેલ આરોપી દીપકભાઈ રાજેન્દ્રભાઈ વસાવા, ઉંમર ૨૧ વર્ષ, રહે.થવા – બેડા કંપની સ્ટેશન ફળિયું, તા. નેત્રંગ જી.ભરૂચ અને કાયદાના સંઘર્ષમાં આવેલ અન્ય બે સગીરો સામે વધુ તપાસ હાથધરી હતી.




