– ટેમ્પરરી પ્રતિન બ્રીજ બંધ કરાતા ટ્રાફિકજામની સ્થિતિ
– નુકસાનની ભરપાઈ અને બ્રીજની મજબૂતાઈ અંગે સવાલો
ભરૂચ,
અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર નિલેશ ચોકડી ઓવરબ્રિજ સાથે મશીનરી લઈને જતું કન્ટેનર ભટકાતા બ્રિજનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.સુરક્ષાને ધ્યાનમાં રાખી વાહનવ્યવહાર બંધ કરાતા અનેક વાહનચાલકો અટવાયા હતા.
સુરતથી વડોદરા જઈ રહેલું કન્ટેનર અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર ની નિલેશ ચોકડી પરના ઓવરબ્રિજ નીચે મહાકાય મશીન લઈને જતું કન્ટેનર ફસાઈ જતા બ્રિજને નુકશાન થવા પામ્યું હતું.ચાલકને ઊંચાઈનો અંદાજ ન રહેતા આ ઘટના બની હતી.પ્રતિન ચોકડીથી જીઆઈડીસીને જોડતા બ્રિજ પર વાહનવ્યવહાર બંધ થતાં ટ્રાફિક પર અસર થવા પામી હતી.
ઘટનાની જાણ થતાં ડીપીએમસી અંકલેશ્વર અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા.ચીફ ઓફિસર એન.એ.કુશવાહાએ જણાવ્યું કે મધ્યરાત્રિએ કન્ટેનર અથડાયું હતું.સુરક્ષા માટે વાહનવ્યવહાર બંધ કરાયો છે,રિપોર્ટ અને સમારકામ બાદ બ્રિજ ફરી શરૂ કરાશે.
નિલેશ ચોકડી ઓવરબ્રિજની ઊંચાઈ 4.5 થી 5 મીટર છે. માર્ગના સમારકામથી રોડનું લેવલ ઊંચું આવતા બ્રિજની ઊંચાઈ ઘટી રહી છે જેથી વારંવાર સમસ્યા સર્જાઈ છે.અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે.ત્યારે નુકસાનની ભરપાઈ અને બ્રીજની મજબૂતાઈ અંગે સવાલો ઉઠવા પામ્યા છે.



