અંકલેશ્વર GIDC ની પીકોમ ચોકડી પાસે જાહેર માર્ગ પર કલરયુક્ત પાવડર ઢોળાતા GPCB સેમ્પલ લઈ તપાસ કે પછી આંખ આડા કાન કરશે?

SHARE:

ભરૂચ,

અંકલેશ્વર GIDCની પીકોમ ચોકડી પાસે જાહેર માર્ગ પર કલરયુક્ત પાવડર ઢોળાઈ જવાની ઘટના સામે આવતાં ઔદ્યોગિક વિસ્તારમાં જોખમી મટીરીયલના પરિવહન અને સલામતીના નિયમોના પાલન સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, છોટા હાથી ટેમ્પો નંબર જીજે 16 એયુ 0560માં આ મટીરીયલ લઈ જવામાં આવી રહ્યું હતું.દરમ્યાન મટીરીયલ ભરેલી એક બેગ રસ્તા પર પડી જતાં માર્ગ પર ભૂરા રંગનો પાવડર ફેલાઈ ગયો હતો.પરિણામે જાહેર માર્ગ જાણે ભૂરા રંગથી રંગાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.બેગ પર COPPER PHTHALO CYANINE લખેલું હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ રસ્તા પર ઢોળાયેલો પાવડર ખરેખર કયો પદાર્થ છે,તેની ચોક્કસ ઓળખ અને તેની સંભવિત અસરો અંગે સત્તાવાર તપાસ થવી જરૂરી છે.ગણેશ પીગમેન્ટ નામની કંપનીમાંથી આ મટીરીયલ લઈ જવાતું હોવાની માહિતી જાળવા મળી હતી.આ ઘટનામાં સૌથી ગંભીર બાબત માત્ર પાવડર રસ્તા પર ઢોળાયો તે નથી,પરંતુ તેને હટાવવાની કામગીરી દરમ્યાન દેખાયેલી કથિત સલામતીની બેદરકારી પણ છે.ઘટનાની જાણ થતાં કંપનીના સત્તાધીશો સ્થળ પર દોડી આવ્યા હતા અને રસ્તા પર ફેલાયેલા પાવડરને સમેટવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે પાવડર સમેટી બેગમાં ભરતા લોકોના હાથમાં હેન્ડ ગ્લવ્ઝ ન હોતા, પગમાં સેફ્ટી શૂઝ ન હોતાં અને ચહેરા પર માસ્ક પણ જોવા મળ્યાં ન હોતાં. જો પદાર્થની ઓળખ અને તેની સુરક્ષા સંબંધિત વિગતો સ્પષ્ટ ન હોય,તો યોગ્ય સુરક્ષા સાધનો વિના તેની સફાઈ કરાવવી કામદારોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. શું કામદારોની સુરક્ષા કરતાં રસ્તો સાફ કરી દેવાની ઉતાવળને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું? આ સવાલનો જવાબ જવાબદારોએ આપવો જોઈએ.

તો બીજી તરફ મટીરીયલ લઈ જતો ટેમ્પો પણ ગંભીર સવાલોના ઘેરામાં છે.ટેમ્પોના પાછળના ભાગે યોગ્ય રીતે તાડપત્રી ઢાંકવામાં આવી ન હોવાની અને મટીરીયલને સુરક્ષિત રીતે બાંધીને લઈ જવામાં ન આવતું હોવાની માહિતી છે. જો પરિવહન દરમિયાન બેગ રસ્તા પર પડી શકે અને પાવડર જાહેર માર્ગ પર ફેલાઈ શકે, તો વાહનમાં મટીરીયલની ગોઠવણી, પેકિંગ અને પરિવહન દરમિયાન લેવામાં આવતી સાવચેતીની વ્યવસ્થાની તપાસ અનિવાર્ય બને છે.ઔદ્યોગિક વિસ્તારના જાહેર માર્ગો પર દરરોજ અનેક વાહનો અને લોકોની અવરજવર રહેતી હોય છે. આવી સ્થિતિમાં મટીરીયલ ઢોળાવાની ઘટના માત્ર વાહનચાલક કે સંબંધિત કંપની પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ જાહેર સલામતી સાથે જોડાયેલો મુદ્દો બની જાય છે.હવે સૌથી મોટો સવાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે ઊભો થયો છે.શું GPCB ઘટના સ્થળેથી પાવડરના સેમ્પલ લઈને તેની વૈજ્ઞાનિક તપાસ કરાવશે? પદાર્થની ચોક્કસ ઓળખ, તેની સલામતી સંબંધિત વિગતો અને જાહેર માર્ગ પર ફેલાવાથી ઊભા થઈ શકતા જોખમોની તપાસ કરવામાં આવશે કે પછી પાવડર સમેટીને રસ્તો સાફ કરી દેવાયો એટલે મામલો પૂરો માની લેવામાં આવશે? સંબંધિત વાહનના દસ્તાવેજો, મટીરીયલના પરિવહનના નિયમો અને જવાબદાર પક્ષની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. ઔદ્યોગિક વિકાસના નામે જાહેર માર્ગો પર બેદરકારી ચલાવી શકાય નહીં! જો તપાસમાં સલામતીના નિયમોનું ઉલ્લંઘન કે અન્ય કોઈ ગેરરીતિ સામે આવે, તો જવાબદારો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ.અંકલેશ્વર GIDCમાં બનેલી આ ઘટનામાં GPCB અને સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરીને સેમ્પલ લે છે કે નહીં, અને જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરે છે કે નહીં, તેના પર હવે સૌની નજર છે. માત્ર પાવડર સાફ કરાવવો પૂરતો નથી, પાવડર કયો હતો, તે રસ્તા પર કેવી રીતે ઢોળાયો અને આવી બેદરકારી માટે જવાબદાર કોણ છે, તેના સ્પષ્ટ જવાબ મળવા જરૂરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!